નવી દિલ્હી : જમ્મુ - કાશ્મીરમાં 6 મહિનાનાં રાજ્યપાલ શાસન પુર્ણ થયા બાદ બુધવારે મધ્યરાત્રીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ચુક્યું છે. હવે કેન્દ્રીય કેબિનેટને આતંકવાદગ્રસ્ત રાજ્ય અંગે તમામ નીતિગત નિર્ણય લેવા માટેનો માર્ગ પ્રશસ્ત થઇ ચુક્યો છે. મહેબુબા મુફ્તી  સાથેની ગઠબંધન સરકાર જુન મહિનામાં ભાંગી પડી હતી. ભાજપ દ્વારા સમર્થન પાછુ ખેંચી લેવાયા બાદ ત્યાં રાજ્યપાલ શાસન લાગુ કરી દેવાયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્યાં કેન્દ્રીય શાસન લગાવવાની એક જાહેરાત પર હસ્તાક્ષર કરી દીધા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારના ગેજેટમાં અપાયેલી સૂચનામાં કહેવાયું કે, રાષ્ટ્રપતિને રાજ્યપાલ સત્યપાલ મલિકનો એક અહેવાલ મળ્યો છે, આના પર તથા બીજી સુચના પર વિચાર કરીને તેઓ સંતુષ્ટ છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરનારા રાજ્યનાં રાજ્યપાલ સત્યપાલ મલિકનાં અહેવાલ પર સોમવારે નિર્ણય લીધો હતો. સંવિધાનનાં અનુચ્છેદ 74(1)(I) હેઠળ વડાપ્રધાનનાં નેતૃત્વમાં રહેલી મંત્રિપરિષદ રાષ્ટ્રપતિને સંચાલન કરવામાાં મદદ કરશે અને સલાહ આપશે. 

રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત બાદ સંસદ રાજ્યની ધારાસભાની શક્તિઓનો ઉપયોગ કરશે અથવા તેનો પ્રાધિકરણ તરીકે ઉપયોગ કરી શકશે. જમ્મુ કાશ્મીરનું અલગ સંવિધાન છે. એવા કિસ્સાઓમાં જમ્મુ કાશ્મીર સંવિધાનની અનુચ્છેદ 92 હેઠળ ત્યાં 6 મહિના રાજ્યપાલ શાસન ફરજીયાત છે. જેના કારણે ધારાસભાની તમામ શક્તિઓ રાજ્યપાલ પાસે હોય છે. 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનાં સમર્થનનાં આધારે પીડીપીએ જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. ત્યાર બાદ રાજ્યપાલે 21 નવેમ્બરે 87 સભ્યોની વિધાનસભાનો ભંગ કરી દીધો હતો. તત્કાલીન વિધાનસભામાં બે સભ્યોની સજ્જાદ લોનની પીપલ્સ કોન્ફરન્સે પણ ત્યારે ભાજપનાં 25 સભ્યો અને અન્ય 18 સભ્યોની મદદથી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. હાલ રાજ્યપાલે તેમ કહીને વિધાનસભા ભંગ કરી દીધી હતી કે તેના કારણે ધારાસભ્યોનું ખરીદ વેચાણ થશે અને સ્થિર સરકાર નહી બની શકે. જો રાજ્યમાં ચૂંટણીની જાહેરાત નહી કરવામાં આવે તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન આગામી 6 મહિના સુધી ચાલશે.