દિલ્હી પ્રદૂષણઃ કેન્દ્રએ બોલાવી હાઈ લેવલ બેઠક, 5 નવેમ્બર સુધી તમામ શાળાઓ બંધ

પ્રદૂષણથી દિલ્હી એનસીઆરમાં સ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. દિલ્હી બાદ હવે ગુડગાંવ, ફરીદાબાદ, નોઇડા અને ગાઝિયાબાદે પણ 5 નવેમ્બર સુધી શાળામાં રજાઓ જાહેર કરી દીધી છે.
નવી દિલ્હીઃ પ્રદૂષણથી દિલ્હી એનસીઆરમાં સ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. દિલ્હી બાદ હવે ગુડગાંવ, ફરીદાબાદ, નોઇડા અને ગાઝિયાબાદે પણ 5 નવેમ્બર સુધી શાળામાં રજાઓ જાહેર કરી દીધી છે. તો કેન્દ્ર સરકાર પણ આ મામલામાં સક્રિય થઈ ગઈ છે. વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે વડાપ્રધાન મોદીના પ્રધાન સચિવ અને કેબેનિટ સચિવ દિલ્હી, પંજાબ અને હરિયાણાના અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક કરવા જઈ રહ્યાં છે.
કેન્દ્રએ બોલાવી હાઈ લેવલ બેઠક
પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. વડાપ્રધાનના પ્રધાન સચિવ પી. કે. મિશ્રા અને કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ આજે આ મુદ્દા પર હાઈ લેવલ મીટિંગ બોલાવી છે. બેઠકમાં દિલ્હીના અધિકારીઓ સિવાય પંજાબ અને હરિયાણાની રાજ્ય સરકારોના અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સથી જોડાશે. પ્રદૂષણને કારણે જ્યાં રાજધાની દિલ્હીમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર છે, તો દિલ્હી-એનસીઆરમાં તમામ શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ કરવામાં આવી છે. રવિવારે ધુમ્મસને કારણે એર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. દિલ્હીથી આશરે 37 ઉડાનોને ડાયવર્ટ કરવી પડી હતી.
દિલ્હી સહિત એનસીઆરમાં શાળાઓ બંધ
જ્યાં પ્રદૂષણને જોતા દિલ્હી સરકાર પહેલા 5 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી ચુકી છે. તો નોઇડા-ગાઝિયાબાદ અને ફરીદાબાદ-ગુંડગાંવ પ્રશાસને પણ 5 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. એનસીઆરના તમામ શહેરોમાં આ આદેશ 12મી સુધીની શાળા પર લાગૂ થાય છે. આ સિવાય મેરઠ અને હાપુડમાં પણ તમામ શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દિલ્હીમાં પ્રદૂષણની 'સુપર ઈમરજન્સી', AQI 999એ પહોંચ્યો, 32 ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરાઈ
ડોક્ટરોએ આપી વિશેશ ધ્યાન રાખવાની ચેતવણી
દિલ્હી-એનસીઆરમાં હવામાનને જોતા ડોક્ટરોએ હ્રદય, શ્વાસ, ટીવી જેવી બિમારીના દર્દીઓને ચેતવણી આપી છે. પ્રદૂષણના ખતરનાક સ્તરને કારણે મોટી સંખ્યામાં લોકોને સવારે ફરવા અને બાળકોનું સાંજે રમવાનું બંધ કરી રાખ્યું છે.