નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે. આ હુમલા સાથે આફ્રિકી દેશ સોમાલિયાનું કનેક્શન પણ સામે આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે બે દિવસ પહેલા જ એક ખાનગી ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કરાયેલા ગુપ્ત સૂચના પણ તમામ સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરી હતી. જેમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે સુરક્ષા દળો પર આત્મઘાતી હુમલો કરવાની ધમકી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય પોલીસ દ્વારા જારી કરાયેલી ગુપ્ત જાણકારી ટ્વિટર હેન્ડલ સાથે સંકળાયેલી હતી જેમાં 33 સેકન્ડના એક વીડિયોમાં આતંકવાદી સોમાલિયામાં જવાનો પર હુમલો કરતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં જે રીતે હુમલો કરાયો છે તે બરાબર એ જ રીતે હતો જે પ્રમાણે ગુરુવારે દક્ષિણ કાશ્મીરમાં પુલવામામાં સીઆરપીએફના જવાનોને લઈને આવી રહેલી એક બસ પર હુમલો કર્યો. 


પુલવામા આતંકી હુમલો: CRPFના 44 જવાનો શહીદ, જડબાતોડ જવાબ માટે આજે PMની અધ્યક્ષતામાં મહત્વની બેઠક


અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે જૈશ એ મોહમ્મદના એક આતંકીએ વિસ્ફોટકો ભરેલા વાહનથી સીઆરપીએફના જવાનોની બસને ટક્કર મારી. જેમાં ઓછામાં ઓછા 44 જવાનો શહીદ થયાં. અનેક જવાનો ગંભીર રીતે ઘાયલ થયાં. રોયટર્સના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં આ હુમલામાં 44 જવાનો શહીદ થયા છે. આફ્રીકાના દેશ સોમાલિયામાં આતંકવાદ મોટા પાયે ફેલાયેલો છે. અહીં રાજકીય સ્થિતિ પણ ડામાડોળ રહે છે. અલ શબાબ જેવા ખૂંખાર આતંકી સંગઠનો પણ છે જેનું કનેક્શન અલકાયદા જેવા મોટા મોટા આતંકી સંગઠનો સાથે છે. 


સીસીએસની બેઠક
આ હુમલા બાદ અનેક દેશોએ પણ આતંકવાદી વિરુદ્ધ ભારતનું સમર્થન કર્યું છે.  દેશ અને દુનિયામાં આ આતંકી હુમલાની આકરી ટીકા થઈ રહી છે. હવે દેશમાં બધાની નજર મોદી સરકાર પર ટકી છે. સરકાર અને પીએમ મોદીનું કહેવું છે કે દેશના શહીદોની શહાદત બેકાર જશે નહીં. જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર વિચાર વિમર્શ માટે કેન્દ્રીય મંત્રીમંડળની સુરક્ષા મામલાની સમિતિ (સીસીએસ)ની આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. સવારે 9.15 કલાકે આ બેઠક થઈ રહી છે. એવા પણ અહેવાલ છે કે આ હુમલા બાદ હવે જમ્મુમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરી નાખવામાં આવી છે. 


પુલવામા આતંકી હુમલો: ગંભીર ચેતવણી હોવા છતાં 'આ' એક મોટી ભૂલના કારણે 44 જવાનો થયા શહીદ? 


શહાદતનો બદલો લેવાશે-રાજનાથ સિંહ
રાજનાથ સિંહે ગુરુવારે દેશના લોકોને એ ભરોસો અપાવ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં સીઆરપીએફની બસ પર પાકિસ્તાન પ્રાયોજિત જૈશ એ મોહમ્મદ દ્વારા કરાયેલા આતંકી હુમલાનો બદલો લેવાશે. સિંહે એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત અને ઉછરી રહેલા લોકો દ્વારા કરાયેલા આ આતંકવાદી હુમલાના માધ્યમથી જે લોકો શાંતિમાં વિધ્નો નાખવા માંગે છે તેમના  કાવતરાને કેન્દ્ર સરકાર નિષ્ફળ કરવા માટે દ્રઢ નિશ્ચયી છે. 


તેમણે કહ્યું કે જૈશ એ મોહમ્મદે આ આતંકવાદી હુમલાને અંજામ આપ્યો છે. અમે રાષ્ટ્રને  ખાતરી આપીએ છીએ કે તેના બદલા માટે જે પણ કરવું પડે અમે તે કરીશું. સિંહે આ હુમલાબાદ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી અને સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ રાજ્યની સ્થિતિ અંગે જાણકારી પણ મેળવી. 


દુનિયા કરી આકરી ટીકા
અમેરિકા, રશિયા અને ફ્રાન્સ સહિત દુનિયાભરના દેશોએ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલાની ટીકા કરી છે અને કહ્યું છે કે આતંકવાદના ખતરા સામે લડવા માટે તેઓ ભારતની પડખે છે. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા અને માલદીવ એકજૂથતા વ્યક્ત કરી છે અને સયુંક્ત રીતે આતંકવાદના જોખમનો સામનો કરવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો છે. 


સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસએ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલાની આકરી ટીકા કરી છે અને હુમલાની પાછળના લોકોને ન્યાયના દાયરામાં લાવવાની અપીલ કરી છે. અમેરિકાના સાંસદોએ પણ આ હુમલાની ટીકા કરી છે અને કહ્યું કે અમેરિકા 'આતંકનો સામનો કરવા અને તેને હરાવવા' માટે ભારતની પડખે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...