પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર  જીવલેણ હુમલો થયો છે. તેમના પર અમૃતસરમાં ફાયરિંગ થયું છે.  જો કે મળતી માહિતી મુજબ તેઓ સુરક્ષિત છે. તત્કાળ તેમને ઘરે લઈ જવાયા અને સુરક્ષા ઉપલબ્ધ  કરાઈ છે. તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુવર્ણ મંદિરની બહાર દરવાન બન્યા
મળતી માહિતી મુજબ આ હુમલો એવા સમયે થયો જ્યારે સુખબીર સિંહ બાદલ અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરની બહાર દરવાન બનીને સજા કાપી રહ્યા હતા. આ દરમિયાન એક હુમલાખોર આવ્યો અને તેમણે બંદૂક કાઢી. જેવી તેણે બંદૂક કાઢી કે સુખબીર સિંહ બાદલની આજુબાજુ ઊભેલા લોકોએ તેને જોયો અને ત્યાં જ દબોચી લીધો. રાહતના સમાચાર એ રહ્યા કે સુખબીર સિંહ બાદલને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. પરંતુ આ તેમની સુરક્ષામાં મોટી ચૂંક ગણવામાં આવી રહી છે. 


આરોપી કસ્ટડીમાં
હુમલાખોરને ત્યાં હાજર રહેલા લોકોએ દબોચી લીધો છે અને પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે. તેની પાસેથી પિસ્તોલ પણ જપ્ત કરાઈ છે. આરોપીનું નામ નારાયણ સિંહ ચૌરા હોવાનું કહેવાય છે અને તે ખાલસા દળ સાથે જોડાયેલો છે. અત્રે જણાવવાનું કે પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલ મંગળવારથી અમૃતસરના સુવર્ણ મંદિર એટલે કે શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારાની બહાર ચોકીદારી કરવાની સજા કાપી રહ્યા છે. તેઓ મંગળવારે બપોરે વ્હીલચેર પર ગુરુદ્વારા પહોંચ્યા હતા. તેમના ગળામાં દોષિત હોવાની  તખ્તી પણ લટકેલી છે. 



તેમણે સજાના પહેલા દિવસે સુવર્ણ મંદિરના સામુદાયિક રસોડામાં વાસણો સાફ કર્યા. આ દરમિયાન તેમણે સેવાદારોવાળો પોષાક પણ પહેર્યો હતો. હાથમાં ચોકીદારી કરવા માટે ભાલો લાખ્યો. અત્રે જણાવવાનું કે સુખબીર સિંહ બાદલના પગમાં ફ્રેક્ચર છે આથી પ્લાસ્ટિક લાગેલુ છે અને તેઓ વ્હીલચેર ઉપર જ ચોકીદારી કરી રહ્યા છે. 


કેમ થઈ સજા
શીખ સમાજની 'સર્વોચ્ચ અદાલત' એટલે કે શ્રી અકાલ તખ્ત સાહિબે સુખબીર સિંહ બાદલને ધાર્મિક સજા સંભળાવી છે. તેઓ ગુરુદ્વારામાં સેવાદારી કરશે. વાસણ ધોશે અને ચોકીદારી પણ કરશે. શ્રી દરબાર સાહિબમાં બનેલા જાહેર શૌચાલયોની સફાઈ પણ કરશે. જત્થેદાર શ્રી અકાલ તખ્તે બાદલ અને તેમની પાર્ટીના નેતાઓ પર 2007થી લઈને 2017 સુધી અકાલી દળની સરકાર સમયે થયેલી ધાર્મિક  ભૂલો પર સજા સંભળાવી. તે સજાની ભરપાઈ અકાલી નેતા સેવા કરીને કરી રહ્યા છે. 


શું છે આરોપ
સુખબીર સિંહ બાદલ અને તેમની કેબિનેટ વિરુદ્ધ અકાલી તખ્તે દોષ સાબિત કર્યા છે. આરોપ છે કે બાદલે ઈશનિંદાના મામલે ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમને માફી અપાવવામાં મદદ કરી છે. તેના માટે બાદલે રામ રહિમ વિરુદ્ધ ફરિયાદ પાછી લેવામાં પોતાના પ્રભાવનો ઉપયોગ  કર્યો છે. શ્રી ગુરુગ્રંથ સાહિબના અનાદર મામલે કાર્યવાહી પણ કરી નથી અને સંગતના પૈસાથી રાજકીય જાહેરાત અપાવી હતી. ડીજીપી સુમેધ સૈનીની નિયુક્તિને ધાર્મિક રીતે ગુનો ગણાવી છે.