ફરીથી પાકિસ્તાન પહોંચ્યા નવજોત સિદ્ધુ, કહ્યું-ઈમરાન ખાનનો આભારી છું
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થવા માટેના પાકિસ્તાનના આમંત્રણનો રવિવારે અસ્વીકાર કર્યો હતો. જ્યારે કે તેમના જ મંત્રી નવજ્યોત સિદ્ધુએ ખુશીખુશી તે સ્વીકારી લીધું હતું.
નવી દિલ્હી : પાકિસ્તાનમાં બુધવારે યોજાનાર કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થવા માટે કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમા પર્યટન મંત્રી નવજોત સિંહ સિદ્ધુ મંગળવારે પાકિસ્તાન પહોંચી ગયા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી તરફથી આપવામાં આવેલ આમંત્રણ પર કાર્યક્રમમાં સામેલ થવા ગયેલ સિદ્ધુએ આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પાકિસ્તાન રવાના થતા પહેલા અટારી-વાઘા બોર્ડર પર મીડિયાને કહ્યું હતું કે, હું પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો કરજદાર છું. સાથે જ તેમણે પોતાને ભારતનો પણ કર્જદાર બતાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થવા માટેના પાકિસ્તાનના આમંત્રણનો રવિવારે અસ્વીકાર કર્યો હતો. જ્યારે કે તેમના જ મંત્રી નવજોત સિદ્ધુએ ખુશીખુશી તે સ્વીકારી લીધું હતું.
મુખ્યમઁત્રીએ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીને લખેલા પત્રમાં કહ્યું કે, આ એક ઐતિહાસિક તક છે. પરંતુ તેમાં તેઓ સામેલ ન થઈ શકવાનો તેમને અફસોસ છે. તેમણે પોતાના રાજ્યમા થનારા આતંકી હુમલા અને પાકિસ્તાની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોની હત્યા કરવાનુ કારણ બતાવ્યું હતું.
અમરિંદરે કહ્યું હતું કે, હું આશા વ્યક્ત કરું છું કે, વડાપ્રધાન પરિસ્થિતિઓને સમજે. આ એક ઐતિહાસિક અવસર પર પાકિસ્તાનમાં ઉપસ્થિત રહેવું મારા માટે શક્ય નથી. જ્યારે કે ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબમાં માથુ ટેકવુ હંમેશાથી મારું સપનુ રહ્યું છે. આશા છે કે શત્રુતા અને આ હત્યાઓ બંધ થવા પર આ ઈચ્છા પૂરી થઈ જશે.
આ સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ ઉપસ્થિત રહેશે. સિદ્ધુએ રવિવારે પાકિસ્તાનનું આમંત્રણ સ્વીકારી લીધું હતું. તેમણે કુરૈશીને લખ્યું કે, સન્માન અને ખુશીની સાથે હું 28 નવેમ્બરના રોજ કરતારપુર સાહિબમાં શિલાન્યાસ સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ સ્વીકારું છું. આ પ્રસંગે તમને મળવાની આશા રાખું છું.
સિદ્ધુએ 24 નવેમ્બરના રોજ કુરૈશીને લખેલા પત્રમાં કહ્યું કે, આ શીખ સમુદાય, ખાસ કરીને ભારતના શીકોની લાંબા સમયથી માંગ હતી. તે પહેલા આપણા દિલ-દિમાગમાં બનેલી સરહદને નાબૂદ કરી દેશે. અમારા લોકો આ યાત્રા દ્વારા ભારત અને પાકિસ્તાન માટે શાંતિ તેમજ સમૃદ્ધિની દિશામાં આગળ વધીશું.
આ ઉપરાંત સિદ્ધુએ પોતાના રાજ્યના ગુરુદાસપુર સ્થિત ડેરા બાબા નાનકથી પાડોશી દેશમાં આવેલ કરતારપુર સાહિબ કોરિડોર વિકસીત કરવા માટેના ભારત સરકારના નિર્ણયનુ પણ સ્વાગત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટમાંથી રાજનીતિમાં આવેલ નવજોત સિદ્ધુ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ સમારોહમાં પણ મહેમાન બન્યા હતા. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ઈસ્લામાબાદની મુલાકાત કરવા અને પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને ગળે લગાડવાથી લઈને સિદ્ધુને અનેક આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.