ફરી લપસી રાહુલ ગાંધીની જીભ, કહ્યું, `અશોક ગેહલોતે આપ્યા હતા કુંભકરણ યોજનાના પૈસા`
પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ `કુંભારામ લિફ્ટ યોજના`ને `કુંભકરણ લિફ્ટ યોજના` જણાવી હતી, જેના કારણે હાજર લોકો પણ હસવા લાગ્યા હતા
ઝુંઝુનુઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની જીભ ફરી એક વખત લપસી ગઈ છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. 7 ડિસેમ્બરના રોજ રાજસ્થાનમાં યોજાનારી ચૂંટણી અંગે મતદાનથી પહેલા રાજ્યમાં નેતાઓની ભીડ લાગેલી છે. પ્રજાને પોતાની તરફ ખેંચવા માટે પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ પ્રચાર દરમિયાન કયા નેતાની જીભ ક્યારે લપસી જાય એ કહેવાતું નથી. મંગળવારે એક સ્થાને સંબોધન કરતા સમયે રાહુલ ગાંધીની ફરી એક વખત જીભ લપસી ગઈ હતી.
રાહુલ ગાંધીએ એક સ્થળે ભાષણ દરમિયાન, 'કુંભારામ લિફ્ટ યોજના'ને 'કુંભકરણ લિફ્ટ યોજના' બનાવી દીધી હતી. જેના કારણે સભા સાંભળવા આવેલા લોકો પણ પેટ પકડીને હસવા લાગ્યા હતા. મંગળવારે ઝુંઝુનુંમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો ગણાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કુંભારામ લિફ્ટ કેનાલ પરિયોજનાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, તેમણે કુંભારામ લિફ્ટ યોજનાને બદલે તેને કુંભકરણ લિફ્ટ યોજના જણાવી હતી.
રાહુલ ગાંધી દ્વારા ભુલ થયા બાદ મંચ પર હાજર કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ જળપૂરવઠા મંત્રી અને ખેતડી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ડો. જિતેન્દ્ર સિંહે રાહુલ ગાંધીને યોજનાનું સાચું નામ બતાવ્યું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધીએ પોતાની ભુલ સુધારીને યોજનાનું સાચું નામ બોલ્યું હતું.