આજે રાહુલ ગાંધીનો રાજઘાટ પર ઉપવાસ કારણ કે...
આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીના નેતા કાર્યાલયમાં ઉપવાસ કરશે
દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પર ઉપવાસમાં બેસી ગયા છે. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના બીજા અનેક સિનિયર નેતા પણ ઉપવાસ પર બેઠા છે. આ સિવાય આખા દેશમાં કોંગ્રેસના નેતાઓ કાર્યલયમાં ઉપવાસ પર બેસશે. કોંગ્રેસ તરફથી કહેવામાં આ્વ્યું છે કે હિંસા પર લગામ કસવા અને પરસ્પર સદભાવ, ભાઈચારા અને શાંતિ જાળવવા કોંગ્રેસના તમામ મુખ્યાલયો પર સવારે 11થી સાંજે પાંચ વાગ્યા સુધી ઉપવાસ રાખવામાં આવશે. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ દરેક રાજ્ય અને જિલ્લાઓમાં પ્રદર્શન કરશે. રસપ્રદ વાત એ છે કે, બીજેપી પણ વિપક્ષ પર સાંસદ ન ચલાવવા દેવાનો આરોપ લગાવતાં 12 એપ્રિલે પોતાના સાંસદો દ્વારા ઉપવાસની જાહેરાત કરી ચૂકી છે.
કોંગ્રેસનો આરોપ
કોંગ્રેસનો આરોપ છે કે મોદી સરકાર સાંસદ ચલાવવા નથી દેતાં જે કારણે સીબીએસઈ પેપર લીક, પીએનબી ગોટાળો, કાવેરી મુદ્દો અને આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જો જેવા તમામ મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા થઈ શકતી નથી. કોંગ્રેસ એસસી/એસટી એક્ટમાં કથિત ઢીલ આપવાના મુદ્દા, ખેડૂતોની હાલત અને યુવાઓના મુદ્દે ચર્ચા કરશે. રાહુલ ગાંધી દલિતો પર થતા અત્યાચારના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સતત ટીકા કરતા રહ્યા છે અને એવો આક્ષેપ કર્યો છે કે મોદી સરકાર દલિતવિરોધી છે. દલિતો સાથે જે કંઈ થઈ રહ્યું છે એ વિશે પીએમ મોદી મૌન ધારણ કરીને બેઠા છે.
શક્તિસિંહ ગોહિલનું નિવેદન
બિહાર પ્રદેશ કોંગ્રેસના નવા નિમાયેલા પ્રભારી શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે એસ.સી. અને એસ.ટી. કાયદા મામલે બીજેપી જુઠાણાનો પર્દાફઆશ કરવા માટે કોંગ્રેસ દ્વારા ઉપવાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદીએ તેમના ચાર વર્ષના કાર્યકાળમાં જનતાને કરેલો એકપણ વાયદો પુરો નથી કર્યો અને દેશની જનતા તેમના ખોટા વાયદાઓને સમજી ચૂકી છે. કોંગ્રેસ વિચારધારા અને સિદ્ધાંત પર ચાલે છે અને જનતાને ખોટા વાયદા નથી કરતી.