નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના નિવસસ્થાને આજે સવારથી જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો મેળાવડો જામ્યો હતો અને બેઠક થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા સામેલ થયા હતા. જોકે, મંગળવારે પાર્ટીના નેતાઓ કોઈ અંતિમ નિર્ણય પર પહોંચી શક્યા ન હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અડગ છે અને તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જણાવી દીધું છે કે, તેઓ એક મહિનાના અંદર તેમનો વિકલ્પ શોધી લે. સાથે જ તેમણે પ્રિયંકા ગાંધીના નામનો વિચાર ન કરવા પણ જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ એવી માહિતી મળી હતી કે, હાલ ટૂંક સમયમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની કોઈ બેઠક યોજાશે નહીં અને રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા રહેશે. જોકે, કોંગ્રેસ પાર્ટી અત્યારે રાહુલ ગાંધીના અડગ નિર્ણય અંગે 'થોભો અને રાહ જૂઓ'ની નીતિ અપનાવવા માગે છે. કોંગ્રેસની કોર ટીમને હજુ પણ આશા છે કે, રાહુલ ગાંધી માની જશે. હકીકતમાં, રાહુલ ગાંધીને પરિવારવાદના આરોપો અંગે દુખ થયું છે અને તેઓ પ્રિયંકાને પણ હવે પાર્ટીના અધ્યક્ષ પદથી દૂર રાખવા માગે છે.


સૂત્રો અનુસાર, રાહુલ ગાંધી સાથે આ નેતાઓની મુલાકાત મુખ્યત્વે રાજસ્થાન અંગે હતી, જ્યાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. રાહુલ ગાંધીના નિવાસસ્થાન 12, તુગલક રોડ પર સૌથી પહેલા પ્રિયંકા પહોંચ્યા હતા. ત્યાર પછી કે.સી. વેણુગોપાલ, રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને પછી સચિન પાઈલટ પહોંચ્યા હતા. થોડા સમય પછી સુરજેવાલા અને પાઈલટ ત્યાંથી નિકળી ગયા હતા. પછી અશોક ગેહલોત પહોંચ્યા હતા.


કોંગ્રેસના સંકટ વચ્ચે શશિ થરૂર બોલ્યા, 'લોકસભામાં પાર્ટીનો નેતા બનવા તૈયાર'


ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસના થયેલા કારમા પરાજય પછી પાર્ટીમાં ઘમાસાણ ચાલી રહ્યું છે, પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે મળેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પરાજયની જવાબદારી પોતાના માથે લઈને રાજીનામું આપી દીધું હતું અને તે પાછું ખેંચવાની પક્ષમાં ન હતા. ત્યાર પછીથી તેમને રાજી કરવાના સતત પ્રયાસ ચાલી રહ્યા છે. 


શનિવારની બેઠકમાં જ CWCના નેતાઓએ એક સૂરમાં રાજીવ ગાંધીનું રાજીનામું ફગાવી દીધું હતું અને તેમને અધ્યક્ષ પદે રહેવા વિનંતી કરી હતી, સાથે જ તેમને પાર્ટીના સંગઠનમાં તેમની મરજી મુજબ ફેરફાર કરવા માટે પણ વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...