મુંબઇ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ સોમવારે ચોંકાવનારો દાવો કર્યો હતો. ઠાકરેએ દાવો કર્યો કે રામ મંદિર મુદ્દે કેન્દ્ર સરકાર અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે સાંઠગાંઠ છે. તેમણે દાવો કર્યો કે, સરકાર મંદિર મુદ્દે તોફાનો કરાવી શકે છે. રાજ ઠાકરે મુંબઇના વિક્રોલીમાં પાર્ટીનાં એક કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરી રહ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠાકરેએ એવો પણ દાવો કર્યો કે તેમને તોફાનોનું મોડ્યુલ જણાવવા માટે દિલ્હીથી ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે, સવારે તેમના પર દિલ્હીથી ફોન આવ્યો હતો જે ખુબ જ ગંભીર હતો. મનસે પ્રમુખે કહ્યું કે, આગામી દિવસોમાં રામ મંદિરનાંનામે તોફાનો થશે અને તેની સાથે ઓવૈસી સાથે વાતચીત થઇ ચુકી છે. હાલની સરકાર પાસે દેખાડવા માટે હાલ કોઇ નક્કર કામ નથી. જેથી હવે પોતાની સરકાર બચાવવા માટે હિંદુ- મુસ્લિમ તોફાન સિવાય અન્ય કોઇ પણ રસ્તો બાકી બચતો નથી. 

ઠાકરેએ આગળ કહ્યું કે, તેના ટ્રેલર તરીકે તમે વાળ વગરનો ભગવા કપડા પહેરેલો વ્યક્તિ જોયો હશે (ટોળામાંથી યોગી યોગીનાં નામની બુમો પડે છે) હાં યોગી... મને હંમેશા લાગે છે કે શું તે એક મુખ્યમંત્રી છે ? આજ સુધી રાજ્યનાં વિકાસ મુદ્દે તેણે એક પણ શબ્દ નથી કહ્યો. તે હંમેશા જાતી અને ધર્મની વાતો કરે છે. બે જાતીઓ વચ્ચે નફરત ફેલાવવાનું કામ કરે છે. આવી જ રીતે એક દિવસ અચાનક ખબર પડી કે ભગવાન હનુમાન તો દલિત હતા. શું ક્યારે રામ કે હનુમાનની જાતી તમે વિચારી હતી ? 

રાજ ઠાકરેએ કહ્યું કે, આગામી દિવસોમાં રાજનીતિ કઇ દિશામાં જઇ રહી છે, તમે તેનું અનુમાન લગાવી શકો છો. તમે ઓવૈસી અંગે જે કાંઇ સાંભળી રહ્યા છો તે માત્ર શરૂઆત છે. હજી આના કરતા પણ વધારે ભડકાઉ નિવેદનો આવશે. હું અપીલ કરૂ છું કે આવા ભડકાઉ નિવેદનો પર ધ્યાન ન આપશું. હું ભગવાનને પણ પ્રાર્થના કરૂ છું કે આવા કોઇ તોફાનો ન થાય. લોકો સાથે સાથે પોલીસે પણ આ મુદ્દે ખુબ જ સતર્ક રહેવાની જરૂર છે. આ પ્રકારનાં તોફાનમાં ભડકાઉ નિવેદનો  આપનાર વ્યક્તિનું કોઇ જ નુકસાન નથી હોતુ, માત્ર સામાન્ય માણસ જ રહેંસાય છે.