જયપુરઃ દેશમાં મોબાઈલ પર રમવામાં આવતી બ્લૂ વ્હેલ ગેમ દ્વારા મૃત્યુની ઘટના બાદ હવે એક નવી ગેમથી વિદ્યાર્થીનું મોત થયાનો કિસ્સો બહાર આવ્યો છે. રાજસ્થાનના સિરોહિ જિલ્લાના આબુ રોડ પર આવેલી એક ખાનગી શાળાના વિદ્યાર્થીએ 'મારવેલ ગેમ' રમતાં-રમતાં આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ધોરણ-11ના આ વિદ્યાર્થીએ ફાંસી લગાવી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરમાં થોડા મહિના અગાઉ મોબાઈલ ગેમ બ્લૂ વ્હેલના કારણે અનેક મોત થયા હતા. ત્યારથી માંડીને એવી અનેક ગેમ આવી છે, જેના કારણે બાળકો અજાણતા જ મોતને ભેટતા હોય છે. આ જ ક્રમમાં એક નવી મોબાઈલ ગેમથી આત્મહત્યા કરવાનો કિસ્સો બહાર આવ્યો છે. આબુ રોડ પર આવેલી એક ખાનગી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વીપિન શર્મા નામના વિદ્યાર્થીએ ફાંસી ખાઈને શનિવારે આત્મહત્યા કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મોબાઈલ ગેમનું કારણ બહાર આવ્યું છે. 


આબુરોડ પોલીસના અનુસાર શનિવારે તેમને સુચના મળી હતી કે હાઉસિંગ બોર્ડમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે અને દરવાજો અંદરથી બંધ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દરવાજો તોડીને જોયું તો વિદ્યાર્થીએ પંખા પર ફંદો લટકાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ પોલીસે શબ નીચે ઉતારીને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. 


વિપિન મુળ હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી હતી. તે આબુ રોડની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. તે પોતાના મામાના ઘરે બહેનની સાથે રહેતો હતો. પોલીસના અનુસાર, પ્રાથમિક તપાસમાં તેના રૂમની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી હાથમાં લાગી છે. તેણે આત્મહત્યા કરતા પહેલા એક દિવાલ પર સુંદર મજાનો પત્ર લખીને ચોંટાડ્યો હતો. 


આ સાથે જ પોલીસને એક નોટબુક પણ મળી છે, જેના એક પેજ પર મારવેલ નામની ગેમનો ઉલ્લેખ કરાયો છે. આ નોટબુકના પેજ પર એ ગેમના અનેક સ્ટેપ પણ લખ્યા છે. જેનાથી એવું અનુમાન છે કે, આ મારવેલ ગેમના કારણે જ વિપિને આત્મહત્યા કરી લીધી હશે. પોલીસ અત્યાર તો સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસ કરી રહી છે.