રાજીવ ગાંધી તો ભરી સંસદમાં મંડલ કમિશનની વિરુદ્ધમાં બોલ્યા હતાં: PM મોદી
ગોરખપુર, કૈરાના, ફૂલપુર, લોકસભા પેટાચૂંટણીઓમાં હાર અને એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ ઉપજેલા રાજકારણ વચ્ચે કહેવાય છે કે 2019ની લોકસભા ચૂંટણી દલિતો અને પછાતોના મુદ્દે લડાશે.
નવી દિલ્હી: ગોરખપુર, કૈરાના, ફૂલપુર, લોકસભા પેટાચૂંટણીઓમાં હાર અને એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ ઉપજેલા રાજકારણ વચ્ચે કહેવાય છે કે 2019ની લોકસભા ચૂંટણી દલિતો અને પછાતોના મુદ્દે લડાશે. કોંગ્રેસ સહિત વિપક્ષ ભાજપને દલિત અને પછાત જાતિઓ વિરોધી ગણાવી રહ્યાં છે. આ સંદર્ભમાં દૈનિક જાગરણને આપેલા ઈન્ટરવ્યુંમાં પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પલટવાર કરતા કહ્યું કે 'રાજીવ ગાંધી ભરી સંસદમાં મંડલ કમિશન વિરુદ્ધ બોલ્યા હતાં અને તે બધુ રેકોર્ડમાં છે. પછાત સમાજને ન્યાય ન મળે, તેમના માટે તેમણે મોટી મોટી દલીલો રજુ કરી હતી. 1997માં કોંગ્રેસ અને ત્રીજા મોરચાની સરકારે પ્રમોશનમાં અનામત બંધ કરી હતી. આ તો અટલજીની સરકાર હતી, જેણે ફરીથી એસસી-એસટી સમાજને ન્યાય અપાવ્યો.'
વિપક્ષી મહાગઠબંધન તેલ અને પાણીની જેમ
ભાજપને ઘેરવા માટે વિપક્ષી મહાગઠબંધનની વધતી કવાયત પર ટિપ્પણી કરતા પીએમ મોદીએ કહ્યું કે 'મહાગઠબંધન તેલ અને પાણીના મેળ જેવું છે. ત્યારબાદ ન તો પાણી કામનું રહે છે, ન તેલ કામનું રહે છે, ન તો આ મેળ. એટલે કે આ મેળ સંપૂર્ણ રીતે નિષ્ફળ છે.' આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે જનતાએ આ પાર્ટીઓને પોતાને સાબિત કરવા માટે પર્યાપ્ત તકો આપી પરંતુ તેઓ ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ અને કુશાસનમાંથી બહાર નીકળી ન શકી. હવે તેઓ જાણી ગયા છે કે જાતિ, ધર્મના આધારે બનાવવામાં આવેલા તેમના ચૂંટણી સમીકરણો અમારા વિકાસ એજન્ડાને પડકારી શકે નહીં. આથી ડરના કારણે મહાગઠબંધન બનાવી રહ્યાં છે. આવામાં સવાલ એ ઉઠે છે કે જે પોતે ડરેલા છે તેઓ બીજાને સંભાળી શકે કેવી રીતે?
આ દરમિયાન દલિતો અને પછાતોના મુદ્દે વિપક્ષના આક્રમક વલણ વચ્ચે લોકસભામાં છેલ્લા દિવસોમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અત્યાચાર નિવારણ સંશોધન વિધેયક 2018ને મંજૂરી અપાઈ. સરકારે ભાર મૂક્યો હતો કે ભાજપના નેતૃત્વવાળી સરકાર હંમેશા અનામતના પક્ષમાં રહી છે અને કાર્ય યોજના બનાવીને દલિતોના સશક્તિકરણ માટે કામ કરી રહી છે. લોકસભામાં લગભગ છ કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ સદને કેટલાક સભ્યોના સંશોધનોને નકારતા ધ્વનિમતથી વિધેયકને મંજૂરી આપી.
આ સાથે જ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના બંધારણીય દરજ્જા સંબંધિત બંધારણ સંશોધન વિધેયકને પણ ચોમાસુ સત્રમાં સંસદની મંજૂરી મળી ગઈ. રાજ્યસભાએ આ સંબંધિત સંવિધાન (123મું સંશોધન) વિધેયકને 156 વિરુદ્ધ શૂન્ય મતોથી પસાર કર્યું. લોકસભા આ વિધેયકને પહેલા જ પસાર કરી ચૂકી છે.
ભાજપ મનાવશે સામાજિક ન્યાય પખવાડિયું
આ સાથે જ ભાજપ દેશભરમાં 15-30 ઓગસ્ટ સુધી સામાજિક ન્યાય પખવાડિયુ અને આગામી વર્ષ 1-9 ઓગસ્ટ સુધી સમાજિક ન્યાય સપ્તાહ મનાવશે જે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવાના વિધેયકને સંસદમાં મંજૂરી અને દલિતો પર અત્યાચાર વિરુદ્ધ કાયદાને મજબુત બનાવવાની પહેલ તરીકે મનાવવામાં આવશે. ગત દિવસોમાં ભાજપ સંસદીય પાર્ટીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી.
આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સંસદના વર્તમાન ચોમાસુ સત્રને સામાજિક ન્યાય સત્ર તરીકે મનાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે તેમણે આ અવસરે ઓગસ્ટ ક્રાંતિ અને 1942માં મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલા ભારત છોડો આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો અને આ પરિપેક્ષ્યમાં સંસદ દ્વારા આ મહિને પસાર થનારા વિધેયકોના ઐતિહાસિક મહત્વને પણ રેખાંકિત કર્યું.
સૂત્રોએ જણાવ્યું કે ભાજપ સંસદીય પાર્ટીની બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે અનેક દાયકાઓથી સમાજના વંછિત વર્ગોને તેનો ઈન્તેજાર હતો. સંસદે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો પ્રદાન કરવા સંબંધિત વિધેયક પસાર કર્યું છે જે દેશભરમાં ઓબીસી સમુદાયને મજબુત કરશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર વડાપ્રધાને એસસી, એસટી સંશોધક વિધેયક લોકસભામાં પસાર થવાને મહત્વપૂર્ણ પહેલ લગાવી.
વડાપ્રધાને કહ્યું કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને સમાજના વંછિત વર્ગોના સમગ્ર વિકાસની જરૂર છે અને તેમની સરકાર તે દિશામાં કામ કરી રહી છે. આ કાર્યોમાં આ વર્ગોના સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજનીતિ અને બૌદ્ધિક સશક્તિકરણ સામેલ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ વડાપ્રધાને પાર્ટી નેતાઓ અને સાંસદોને સરકારના આ કાર્યોને જનતા સમક્ષ મજબુતાઈથી રજુ કરવા જણાવ્યું. તેમણે સત્ર સમાપ્ત થયા બાદ પાર્ટી સાંસદોને પોત પોતાના ક્ષેત્રોમાં આ કાર્યોને સક્રિયતાથી રજુ કરવા જણાવ્યું હતું.