Rajya Sabha Election 2022: ગુરુવારે રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ જાહેર થઈ. ચૂંટણી પંચે જણાવ્યાં મુજબ 18 જુલાઈએ મતદાન થશે અને 21મી જુલાઈએ પરિણામ જાહેર થશે. આજનો  દિવસ પણ ખુબ મહત્વનો છે કારણ કે આજે રાજ્યસભાની 16 બેઠકો માટે મતદાન થવાનું છે. દેશના 4 રાજ્યોની રાજ્યસભા બેઠકો માટેની આ ચૂંટણીમાં જે પાર્ટી કે ગઠબંધનને વધુ બેઠકો મળશે તેનું પલડું રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારે જણાશે. માટે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પણ આજની રાજ્યસભા ચૂંટણી ખુબ મહત્વની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 રાજ્યોની 16 બેઠકો માટે મતદાન
ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ રાજ્યસભા ચૂંટણી માટે આજે સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. હાલ 9 વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઈ ગયું છે.  મતદાન પૂરું થયાના એક કલાક બાદ એટલે કે સાંજે 5 વાગે મત ગણતરી શરૂ થશે. રાજ્યસભામાં સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે અને દર બે વર્ષ બાદ એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. આ વખતે કુલ 55 સભ્યોની ચૂંટણી થવાની હતી જેમાંથી 39 બેઠકો માટે નિર્વિરોધ ઉમેદવાર ચૂંટાઈ ગયા છે. બાકીની 16 બેઠકો માટે આજે મતદાન થશે. 


રાજ્યસભાના કુલ 245 સાંસદ
જો રાજ્યસભાના આંકડાની વાત કરીએ તો આંકડાકીય ગણતરી મુજબ રાજ્યસભામાં કુલ 245 સભ્યો હોય છે. જેમાંથી 233 બેઠકો માટે મતદાન થાય છે. જ્યારે બાકીની 12 બેઠકો પર રાષ્ટ્રપતિ તરફથી ઉમેદવાર નોમિનેટ થાય છે. હાલ રાજ્યસભામાં સૌથી વધુ 95 સભ્યો ભાજપના છે. જ્યારે કોંગ્રેસના 29 સભ્યો છે. આજે જે 16 બેઠકો માટે મતદાન થવાનું છે તેમાં હરિયાણાની 2 બેઠકો, રાજસ્થાનની 4, કર્ણાટકની 4 અને મહારાષ્ટ્રની 6 બેઠકો સામેલ છે. રાજ્યોના વિધાયકો આ બેઠકો માટે મતદાન કરશે. આ ચૂંટણીમાં લોકસભા કે વિધાનસભા બેઠકો માટે જે રીતે મતદાન થાય છે અને નાગરિકો મતદાનમાં ભાગ લે છે તેવું હોતું નથી. નાગરિકો મતદાન કરતા નથી પરંતુ નાગરિકો  દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મતદાન કરે છે. 


રાજસ્થાનમા 4 બેઠકો માટે 5 ઉમેદવાર
રાજસ્થાનની 4 બેઠકો માટે 5 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસે 3 અને ભાજપે એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે સુભાષ ચંદ્રા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે રાજસ્થાનની બેઠકો માટે મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે ઘનશ્યામ તિવારીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રાજ્યના 200 ધારાસભ્યો આ માટે મતદાન કરશે. 


કર્ણાટકની 4 બેઠકો માટે 6 ઉમેદવારો
ભાજપ  તરફથી નિર્મલા સીતારમણ, લહર સિંહ સિરોયા અને કન્નડ ફિલ્મકાર જગ્ગેશ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી જયરામ રમેશ અને મંસૂર અલી ખાન ઉમેદવાર છે. જનતા દળ સેક્યુલરે કુપેન્દ્ર રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે. 


મહારાષ્ટ્રમાં કોકડું ગૂંચવાયું
હરિયાણામાં રાજ્યસભાની બે બેઠકો માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ તરફથી અજય માકન અને અપક્ષ ઉમેદવાર તરીકે કાર્તિકેય શર્મા છે. જ્યારે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 બેઠકો માટે 7 ઉમેદવારોમાં કાંટાની ટક્કર છે. ભાજપે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અનિલ બોન્ડે અને ધનંજય મહાદિકને ઉમેદવાર  બનાવ્યા છે. એનસીપીએ પ્રફૂલ્લ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. શિવસેનાએ સંજય રાઉત અને સંજય પવાર પર દાવ લગાવ્યો છે જ્યારે કોંગ્રેસે ઈમરાન પ્રતાપગઢીને ઉમેદવાર બનાવ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube