રાજ્યસભામાં 165 વિરુદ્ધ 7 મત સાથે પસાર થયું બંધારણ (124મો સુધારા)બિલ-2019
સવર્ણોને 10 ટકા અનામત આપવા માટે લોકસભામાં મંગળવારે બંધારણ (124મો સુધારા) બિલ-2019 323 મત સાથે પસાર થયું હતું, બુધવારે આ બિલ રાજ્યસભામાં ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યું હતું
નવી દિલ્હીઃ રાજ્યસભામાં 165 વિરુદ્ધ 7 મત સાથે બંધારણ (124મો સુધારા) બિલ-2019 પસાર થઈ ગયું છે. એટલે કે, બિલની તરફેણમાં રાજ્યસભાના 165 સભ્યોએ મત આપ્યો હતો, જ્યારે તેની વિરુદ્ધમાં 7 સભ્યોએ મત આપ્યો હતો. આમ લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પસાર થવાની સાથે જ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા દેશમાં સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવાને મંજૂરી આપવામાં આવી હતી. હાલ બંધારણ મુજબ અનાતનો ક્વોટા 50 ટકા પૂરો હોવાને કારણે જો કેન્દ્ર સરકાર વધુ 10 ટકા અનામત આપવા માગતી હોય તો તેણે બંધારણમાં સુધારો કરવો પડે. આથી, કેન્દ્ર સરકાર દ્વારા બંધારણ (124મો સુધારા) બિલ-2019 લોકસભામાં રજૂ કરાયું હતું. લોકસભામાં આ બિલ પસાર થયા બાદ તેને રાજ્યસભામાં મંજૂરી માટે રજૂ કરાયું હતું. હવે આ બિલને મંજૂરી માટે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે.
રાજ્યસભામાં બંધારણ (124મો સુધારો) બિલ-2019 સિલેક્ટ કમિટિને મોકલવા માટેનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જોકે, આ પ્રસ્તાવ બહુમત સાથે રાજ્યસભામાં ફગાવી દેવાયો હતો. આ ઉપરાંત, રાજ્યસભાના કેટલાક સંસદસભ્યો દ્વારા બંધારણ (124મો સુધારો)બિલ-2019માં ઉમેરો કરવા માટે રજૂ કરવામાં આવેલા કેટલાક અન્ય સુધારાને બહુમત સાથે ફગાવી દેવાયા હતા.
બિલ રજુ કરતા સમયે થાવર ચંદ ગહલોત
બિલને રજુ કરતા ગહલોતે કહ્યું કે, આ ઐતિહાસિક બિલને લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે અને તેને આજે રજુ કરું છું આ પાસ કરવુ ખુબ જ જરૂરી છે. આ બિલ આર્થિક આધારે અનામત આપવા માટે છે. આ વિધેયક સામાન્ય વર્ગનાં ગરીબોનાં શૈક્ષણીક અને રોજગાર સંબંધીત સશક્તિકરણ માટે લાવવામાં આવ્યું છે.
અસમના સાંસદ અને ભુવનેશ્વર કલિતાએ ગહલોતનાં ભાષણને વચ્ચેથી અટકાવતા એનઆરસી મુદ્દે ગૃહમંત્રી રાજનાથનાં નિવેદનની માંગ કરી. આ અંગે સંસદીય કાર્યમંત્રી વિજય ગોયલે કહ્યું કે, પૂર્વોત્તરના મુદ્દે ગૃહમંત્રી 2 વાગ્યે સદનમાં નિવેદન આપી શકે છે. ત્યાર બાદ ગહલોતે ફરીથી ભાષણ ચાલુ કર્યું. જો કે આ દરમિયાન વિપક્ષનો હોબાળો, નારેબાજી વગેરે પ્રવૃતી ચાલુ જ રહી હતી.
ગહલોતે કહ્યું કે, આર્ટિકલ 15માં એક સબ આર્ટિકલ 6 જોડવામાં આવી રહ્યું છે. આ પ્રકારનાં આર્ટિકલ 16માં પણ એક વધારાનું સબઆર્ટીકલ જોડવામાં આવી રહ્યું છે. તે અગાઉ પણ અનેક સરકારોએ સમયાંતરે તેનો પ્રયાસ કર્યો હતો, જો કે સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધું હતું. આનું કારણ હતું કે સંવિધાનમાં આર્થિક આધારે અનામતનું પ્રવધાન નહોતું. હવે સંશોધન દ્વારા પહેલીવાર તેનું પ્રાવધાન કરવામાં આવ્યું.
બિલનું સમર્થન પરંતુ ખોટી રીતે વધારવામાં આવ્યું સત્ર: આનંદ શર્મા, કોંગ્રેસ
કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ કહ્યું કે, તેમની પાર્ટી બિલનાં સમર્થનમાં છે, જો કે તે પ્રકારે સત્રને વધારવામાં આવ્યું તે ખોટું છે. શર્માએ કહ્યું કે, પોણાપાંચ વર્ષ બાદ સરકારની ઉંધ ઉડી છે અને તે શ્રેય લેવાનાં પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, સરકાર રાજનીતિ કરી રહી છે અને તે દેશને ગુમરાહ કરવાનાં પ્રયાસો પણ કરી રહી છે.
આ બિલ અડધી રાત્રે કરવામાં આવેલી ધાડ
આરજેડીનાં સાંસદ મનોઝ ઝાએ આ અંગે બોલતા કહ્યું કે, આ સંવિધાનનાં મુળભુત ઢાંચા સાથેની રમત છે. તેમણે કહ્યું કે, એસસી-એસટી અને ઓબીસીનાં હક પર આ એક પ્રકારની ધાડ છે. રાજદના સાંસદોએ આ બિલનો ખુલ્લો વિરોધ કર્યો હતો. રાજદે કહ્યું કે આ બિલ અયોગ્ય છે.
રાજ્યસભામાં રજૂ થયા બાદ બપોરે 2.00 કલાકથી તેના પર ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચાની શરૂઆત કરતા ભાજપના સાંસદ પ્રભાત ઝાએ જણાવ્યું કે, લાંબા સમયથી આર્થિક આધારે અનામતના બિલની રાહ જોવાઈ રહી હતી. પીએમ મોદીએ સવર્ણ સમાજની ચિંતા હતી. મોદી સરકાર તમામ ગરીબોના હિતમાં કામ કરી રહી છે. આ અગાઉ આ બિલ પર ચર્ચા કરવા માટે ત્રણ કલાકનો સમય નક્કી કરાયો હતો, પરંતુ ત્યાર બાદ તેને વધારીને 8 કલાકનો કરવામાં આવ્યો હતો.
સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે રાજ્યસભામાં આર્થિક અનામત બિલને સમર્થન આપવા સાથે જણાવ્યું કે, સરકાર આ બિલને પહેલા પણ લાવી શકે એમ હતી. હવે લોકસભા ચૂંટણી નજીકમાં જ આવી છે ત્યારે સરકાર આ બિલ લાવી છે. તેમણે એ પણ જણાવ્યું કે, 98% ગરીબ સવર્ણોને માત્ર 10% અનામ, 2% શ્રીમંત સવર્ણોને 40% અનામત આપવામાં આવી રહી છે.
કાયદા મંત્રીએ વિરોધ પક્ષના આરોપોનો જવાબ આપતા જણાવ્યું કે, 'તમે લોકોએ સમર્થન તો આપ્યું છે, પરંતુ તેમાં કિંતુ-પરંતુ લગાવી દીધા છે. તમે બિલ રજૂ કરવાના સમય સામે આંગળી ઉઠાવી રહ્યા છો. હું આપને જણાવી દઉં કે ક્રિકેટમાં સિક્સર સ્લોગ ઓવરમાં જ મારવામાં આવે છે. મેચ જ્યારે એકદમ નજીક આવી જાય છે ત્યારે સિક્સર લાગે છે. જો તમને તેનાથી મુશ્કેલી છે તો આ પ્રથમ સિક્સર નથી, હજુ બીજી સિક્સર લાગવાની છે.'
કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, 'સવર્ણોમાં પણ ગરીબાઈ છે. આ સમાજના પણ અનેક લોકો મજૂરી કરે છે. તેમણે જણાવ્યું કે, આ બિલ કોર્ટમાં પડી જશે એવા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. હું તેમને જણાવવા માગું છું કે, બંધારણની મૂળ લાગણીને બદલવા સિવાય તેમાં સંસદ કોઈ પણ ફેરફાર કરતી નથી.'
એસસી, એસસી, ઓબીસી અનામતને નુકસાન નહીં થાયઃ રામવિલાસ પાસવાન
હાસ્યની આ છોળો બાદ કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને બુધવારે જણાવ્યું કે, આ અનામત એસસી, એસટી કે ઓબીસીની અનામતને કાપીને આપવામાં આવતી નથી. તેમણે સામાન્ય વર્ગના લોકોને શિક્ષણ અને રોજગારમાં આર્થિક અનામત આપતી જોગવાઈ અંગેના બંધારણિય(124મો સુધારો) બિલ-2019ને ગરીબો માટે અત્યંત આવશ્યક જણાવ્યું હતું.
રાજ્યસભામાં બુધવારે બંધારણ (124મો સુધારો) બિલ-2019ની ચર્ચા દરમિયાન અનેક વખત હળવી ક્ષણો જોવા મળી. સાંજે ચર્ચા દરમિયાન જ્યારે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પોતાનો પક્ષ રજૂ કરવાના જ હતા કે કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે ગૃહને માહિતી આપી કે રાત્રે 8 કલાકે માનનીય સભ્યો માટે રીફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેના અંગે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ પ્રસાદે મજાક કરતાં કહ્યું કે, 'માનનીય સભ્યો જાણવા માગે છે કે, ડિનરની વ્યવસ્થા તમે કરી છે કે રીફ્રેશમેન્ટની.'
તેનો જવાબ આપતા વિજય ગોયલે જણાવ્યું કે, સભ્યોએ જે ઈચ્છા પ્રગટ કરી હતી, તેના અનુસાર સેન્ટ્રલ હોલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.