નવી દિલ્હી : પેટ્રોલ - ડિઝલની વધી રહેલી કિંમતોથી કોઇ પરેશાની નહી થવાની વાત કહેનારા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ પોતાનાં નિવેદન અંગે અફસોસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જનતાની ભાવનાઓને નુકસાન પહોંચાડવાનો મારો કોઇ જ ઇરાદો નહોતો અમે હું માફી માંગુ છું. મોદી કેબિનેટમાં સમાજ કલ્યાણ અને અધિકારિતા મંત્રી રામદાસ અઠાવલેએ શનિવારે જયપુરમાં પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતો અંગે પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેઓ મંત્રી છે અને તેમને તો મફતમાં પેટ્રોલ - ડીઝલ મળે છે, માટે તેમને મોંઘા થઇ રહેલા પેટ્રોલ ડીઝલથી કોઇ જ વાંધો નથી. આ નિવેદન પર હોબાળો થયા બાદ અઠાવલેએ સ્પષ્ટીકર્ણ આપ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઠવલેએ કહ્યું કે, હું એક સામાન્ય માણસ છું, જે મંત્રી બની ગયો છે. જનતાને શું સમસ્યાઓ થઇ રહી છે. હું જાણું છું કે. હું સરકારનો હિસ્સો છું અને મે માંગ કરી છે કે પેટ્રોલ- ડીઝલની કિંમતો ઓછી થવી જોઇએ. નિવેદનનાં વિવાદિત હિસ્સા અંગે તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે, પત્રકારોએ મને પુછ્યું કે જે રીતે પેટ્રોલ - ડીઝલની કિંમતો વધી રહી છે તમને કોઇ સમસ્યાઓ થઇ રહી છે ? જવાબમાં મે કહ્યું હતું કે મને કોઇ સમસ્યા નથી કારણ કે હું મંત્રી છું અને મને સરકારી વાહન મળે છે. પરંતુ જનતાને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે એટલા માટે આ કિંમતોમાં ઘટાડો આવવો જોઇએ. 

રામદાસ અઠાવલેએ કહ્યું કે, તેમણે એવું કોઇની ભાવનાને નુકસાન પહોંચાડવા માટે નહોતું કર્યું અથવા તો જનતાનો મજાક બનાવવા માટે નહોતું કર્યું. જો કે તેમ છતા પણ જનતાનો તેમના નિવેદનથી ખોટુ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. અત્રે ઉલ્લેખનીય છે કે, તેલની કિંમતોમાં દરરોજ વધારો થઇ રહ્યો છે, જેનાં કારણે પેટ્રોલ- ડીઝલનાં રેટ 90 અને 80ને સ્પર્શી રહ્યું છે. સરકાર કાચા તેલની કિંમતોમાં વધારાને તેનું કારણ ગણાવી રહ્યા છે. તો વિપક્ષ આ મુદ્દે મોદી સરકારને નિષ્ફળ ગણાવી રહ્યા છે.