ભૂલી જાઓ હવે ફટાફટ લોન અને ખટાખટ પૈસા! ફેક ડિજિટલ લેન્ડિંગ એપ્સ પર RBIએ સકંજો કસ્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે મોનેટરી પોલીસીમાં ડિજિટલ એપ લોન વિશે પણ એક મોટી જાહેરાત કરી છે.રિઝર્વ બેંકે એપ દ્વારા લોન ઓફર કરતા ફેક ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મને પહોંચી વળવા માટે પબ્લિક રેપોસ્ટરી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જાણો વિગતો...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે મોનેટરી પોલીસીમાં ડિજિટલ એપ લોન વિશે પણ એક મોટી જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે એપ દ્વારા લોન ઓફર કરતા ફેક ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મને પહોંચી વળવા માટે પબ્લિક રેપોસ્ટરી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ડિજિટલ લોન એપ્સની સારી રીતે નિગરાણી સુરક્ષિત કરવા માટે આ નિયામક સંસ્થાએ પોતાનો રિપોર્ટ આરબીઆઈને આપવો પડશે.
આ ઉપરાંત યુપીઆઈ બેઝ્ડ ટેક્સ પેમેન્ટની લેવડદેવડની મર્યાદા પણ એક લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા પ્રતિ લેવડદેવડ કરવામાં આવી છે. આ સિવાય આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હોમલોન કંપનીઓ નિયમોને અવગણી રહી છે અને આવી સ્થિતિમાં આ નિયમોના ભંગને રોકવા જરૂરી છે. મોનેટરી પોલીસીમાં આરબીઆઈ ગવર્નરે દેશના ફાઈનાન્શિયલ સેક્ટરને મજબૂત ગણાવ્યું. તેમણે કહ્યું કે દેશનું નાણાકીય બજાર સ્થિર છે. જો કે આમ છતાં તેમણે બેંકો અને એનબીએફસીને વધુ સારા સુધારા માટે નવા ઉપાયો માટે સલાહ આપી.
બેંકોને આપી સૂચના
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બેંકોને પોતાની બચત યોજનાઓમાં ડિપોઝીટને વધુ વધારવા માટે નવી રણનીતિ તૈયાર કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે રોકાણકારો પાસે રોકાણના અન્ય વિકલ્પો હોવાથી તેઓ બેંકમાં પૈસા જમા કરતા નથી. આવામાં બેંકો માટે ડિપોઝીટને સિક્યોર કરવાનું પડકારજનક બની ગયું છે. આવી સ્થિતિમાં બેંકો સામે લિક્વિડિટી સંબંધિત પરેશાનીઓ ઊભી થઈ શકે છે.