દિલ્હીના હચમચાવી નાખનાર સાક્ષી મર્ડર કેસમાં તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે.  પોલીસે રિઠાલાથી હત્યામાં વપરાયેલું ચાકૂ મેળવ્યું. આ જ ચાકૂથી આરોપી સાહિલે સાક્ષી પર 20થી વધુ વખત વાર કર્યા હતા. ત્યારબાદ પથ્થરથી સાક્ષીનું માથું પણ ફોડી નાખ્યું હતું. આ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો અને તેના બહાર આવતા જ આખા દેશમાં હડકંપ મચી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાહિલે ઉત્તર પશ્ચિમ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં રવિવારના રોજ સાક્ષી પર ઉપરાછાપરી ચાકૂના ઘા ઝીંક્યા હતા. ત્યારબાદ પથ્થરથી નિર્દયતાથી કચડીને તેની હત્યા કરી હતી. પોલીસે સાહિલને ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી પકડ્યો હતો. 


કોર્ટે ગુરુવારે સાહિલને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ સાહિલની પૂછપરછ કરાઈ અને તેના જણાવ્યા મુજબ હત્યામાં ઉપયોગમાં લેવાયેલું ચાકૂ કબજામાં લેવાયું. એટલું જ નહીં પોલીસે એ રૂટની પણ ઓળખ કરી લીધી છે જેનાથી સાહિલ હત્યા બાદ બુલંદશહેર પહોંચ્યો હતો. હત્યા બાદ તેણે કથિત રીતે ચાકૂ રિઠાલાની ઝાડીઓમાં ફેંકી દીધુ હતું. 


પોલીસનું કહેવું છે કે સાહિલે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે સાક્ષી દ્વારા તેના મિત્રો સામે ફટકાર લગાવવાથી અને પાછા ફરવાનો ઈન્કાર કરવાથી તે ગુસ્સામાં હતો. બંનેનો સંબંધ ખરાબ થઈ ગયો હતો. પોલીસે કહ્યું હતું કે અત્યાર સુધીમાં કરાયેલી તપાસથી જાણવા મળ્યું છે કે અપરાધમાં સાહિલ સાથે કોઈ અન્ય સામેલ નહતું. આરોપીએ કબૂલ કર્યું છે કે તેને પોતે જ આ વારદાતને અંજામ આપ્યો. 
સાક્ષીના શરીર પર ઈજાના 34 નિશાન મળ્યા છે. સાહિલ શાહબાદ ડેરીમાં જ પોતાના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહે છે. તેના પરિવારમાં 3 બહેનો અને માતા પિતા છે. સાહિલ મિકેનિક છે અને એસી અને રેફ્રિજરેટર રિપેર કરે છે. સાહિલ સાક્ષીની હત્યા બાદ બસમાં બુલંદશહેર ભાગી ગયો હતો. અહીં તેની ફોઈ રહે છે. પોલીસે સાહિલને બુલંદશહેરથી જ પકડ્યો હતો. 


પોલીસની તપાસ અને સાહિલ સાથે પૂછપરછમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે સાક્ષી અને સાહિલ સંબંધમાં હતા. પરંતુ બંનેના સંબંધમાં થોડા સમયથી કડવાહટ આવી ગઈ હતી. તેનું કારણ એક છોકરો પ્રવીણ હતો. સાક્ષી પહેલા પ્રવીણ સાથે સંબંધમાં હતી. પરંતુ હવે તે ફરીથી સાક્ષીના જીવનમાં આવ્યો હતો. આવામાં સાક્ષી સાહિલથી અંતર જાળવી રહી હતી. જ્યારે સાહિલે સાક્ષીને ફરીથી સાથે આવવાનું કહ્યું તો સાક્ષી અને તેનો મિત્ર ઝબરુએ સાહિલને ધમકાવ્યો હતો. સાહિલે પૂછપરછમાં એમ પણ જણાવ્યું કે સાક્ષી મુદ્દે ઝબરુ તેને મારે તે પહેલા જ તેણે સાક્ષીની હત્યા કરી નાખી.