કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, દિગ્ગજ નેતાએ ઓપન લેટર લખી ઠાલવી હૈયાવરાળ
કોંગ્રેસ પાર્ટી હજુ સુધી 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હારનું આત્મચિંતન કરી શકી નથી. કારણ કે તેમના પાર્ટી અધ્યક્ષ જ પદ છોડીને જતા રહ્યાં હતાં.
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી હજુ સુધી 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હારનું આત્મચિંતન કરી શકી નથી. કારણ કે તેમના પાર્ટી અધ્યક્ષ જ પદ છોડીને જતા રહ્યાં હતાં. પોતાના આ નિવેદન બાદ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કાયદા મંત્રી સલમાન ખુર્શીદે શનિવારે ફરીથી રાહુલ ગાંધીને પોતાના નેતા ગણાવતા કહ્યું કે તેમણે જ પાર્ટી અધ્યક્ષ બનવું જોઈએ. કોંગ્રેસ નેતાઓએ ખુર્શીદના ગત નિવેદનને ફગાવી દીધુ હતું જેને લઈને હવે પૂર્વ કાયદા મંત્રી પોતાની જ પાર્ટીના નેતાઓ પર વરસી રહ્યાં છે.
સલમાન ખુર્શીદે એક ફેસબુક પોસ્ટ દ્વારા પોતાની પાર્ટીના નેતાઓને શીખામણ આપતા કહ્યું કે એવા લોકો મને જ્ઞાન આપી રહ્યાં છે જે વિશ્વસનિયતા અને રાજકારણની રણનીતિ અંગે કશું જાણતા નથી, આથી હું ખુબ સ્તબ્ધ છું. આ સાથે જ તેમણે કહ્યું કે તમામ લોકોને જણાવવા માંગુ છું કે મારા માટે વિશ્વાસ અને નિષ્ઠા અંગત પસંદ છે. આ સમય અસલ કે કાલ્પનિક ભય અને મતભેદ દૂર કરીને આગળ વધવાનો છે.