અખિલેશ યાદવ અને આઝમ ખાને લોકસભામાંથી આપ્યું રાજીનામુ, જાણો શું છે કારણ
અખિલેશ યાદવ કરહલ સીટ પરથી ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચી ગયા છે. તેવામાં તેમણે લોકસભાના સાંસદ પદેથી રાજીનામુ આપી દીધુ છે.
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષના અખિલેશ યાદવે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને મંગળવારે સાંસદ પદેથી પોતાનું રાજીનામુ આપી દીધુ છે. તેઓ આઝમગઢથી 2019માં લોકસભા ચૂંટણી જીતી સંસદ પહોંચ્યા હતા. આ સાથે પાર્ટી નેતા આઝમ ખાને પણ સંસદના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. અખિલેશ યાદવ આ વખતે કરહલ સીટથી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. એટલે તેમણે લોકસભાના સાંસદ પદેથી રાજીનામુ આપી વિધાનસભામાં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટેનો નિર્ણય લીધો છે.
મહત્વનું છે કે અખિલેશ યાદવે 67 હજાર 504 મતના અંતરથી પોતાના વિરોધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કરહલ સીટ પરથી પરાજય આપ્યો હતો. અખિલેશ વિરુદ્ધ ભાજપે કેન્દ્રીય મંત્રી એસપી બધેલને કરહલ સીટ પર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તેમને 80 હજાર 692 મત મળ્યા હતા. કરહલ સીટને સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.
લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવું છે? 126 વર્ષના પદ્મશ્રી બાબા શિવાનંદની આ 5 આદત ખાસ જાણો
આઝમ ખાને પણ આપ્યું રાજીનામુ
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને અખિલેશ યાદવની સાથે લોકસભાના સાંસદ પદેથી રાજીનામુ આપ્યું છે. તે રામપુરથી લોકસભા સાંસદ હતા. પરંતુ આ વખતે આઝમ ખાન રામપુરથી વિધાનસભા ચૂંટણીમાં ઉતર્યા હતા, અને તેને જીત મળી હતી. હવે આઝમ ખાને વિધાનસભામાં રહેવાનો નિર્ણય કર્યો છે, એટલે તેમણે લોકસભામાંથી રાજીનામુ આપી દીધુ છે. અખિલેશ યાદવ અને આઝમ ખાનના રાજીનામાથી લોકસભાની બે સીટ ખાલી પડી છે. એટલે કે લોકસભા ચૂંટણી 2024 પહેલાં બંને સીટો પર પેટાચૂંટણી યોજાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube