`2019ની ચૂંટણી ભાજપ માટે કપરો સંઘર્ષ, સપા-બસપા ગઠબંધનથી ભાજપને મુશ્કેલી`
પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને મંગળવારે સ્વીકાર્યું કે 2019 લોકસભા ચૂંટણી ભાજપ માટે એક મુશ્કેલ સંઘર્ષ હશે.
નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને મંગળવારે સ્વીકાર્યું કે 2019 લોકસભા ચૂંટણી ભાજપ માટે એક મુશ્કેલ સંઘર્ષ હશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધનના કારણે જંગ કપરી બનશે. ભાજપના સાંસદે કહ્યું કે એ સ્વીકારવામાં કોઈ નુકસાન નથી કે સપા અને બસપાના ગઠબંધન બાદ લડાઈ મુશ્કેલ બનશે.
2013 મુઝફ્ફરનગર રમખાણને ઉક્સાવવાના આરોપી નેતાઓમાંના એક બાલિયાને કહ્યું કે જ્યારે કેટલાક રાજકીય પક્ષો એકજૂથ થાય છે ત્યારે એક સહજ પ્રતિક્રિયા હોય છે. તેમણે કહ્યું કે પ્રત્યેક ક્રિયાની વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે. તેમાં કોઈ શક નથી કે સમાજનો એક મોટો વર્ગ અમને મત આપતો નથી. પછી ભલે ધાર્મિક આધાર હોય કે પછી કોઈ અન્ય આધાર.
2014માં લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલા 2013માં થયેલા સાંપ્રદાયિક તોફાનોમાં લગભગ 62 લોકોના મોત થયા હતાં અને 50,000થી વધુ લોકો વિસ્થાપિત થયા હતાં. અનેક રાજકીય પક્ષોનું માનવું છે કે ભાજપે ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી 71 બેઠકો સાંપ્રદાયિક ધ્રુવીકરણના કારણે જીતી હતી. જેની શરૂઆત મુઝફ્ફરનગરથી થઈ હતી. 2014માં બાલિયાને બસપાના કાદિર રાણાને 4 લાખ મતોથી હરાવ્યાં હતાં. રાણાએ 2009માં આ સીટ પર કબ્જો જમાવ્યો હતો. 1991થી 1999 સુધી આ બેઠક પર ભાજપનો કબ્જો હતો.
બાલિયાને 2014માં મોદી સરકારમાં કૃષિ તથા ખાદ્ય પ્રસંસ્કરણ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યાં હતાં. 2016માં તેમને જળ સંસાધન, નદી વિકાસ મંત્રાલયમાં મોકલી દેવાયા અને મંત્રીમંડળના આગામી ફેરફારમાં તેમને મંત્રીમંડળથી બહાર કરવામાં આવ્યાં હતાં.
બાલિયાને કહ્યું કે જ્યારે 2014માં ભાજપ જીતી હતી ત્યારે લોકોની અપેક્ષાઓ વધુ હતી અને લોકોને હજુ પણ એમ લાગે છે કે વડાપ્રધાન મોદીએ ઘણું કર્યું છે. તેમણે કહ્યું કે મોદીજી અંગે સકારાત્મકતા લોકોમાં છે અને તેમાં ઘટાડો થયો નથી. અમે સરકારની ઉપલબ્ધિઓ પર ચૂંટણી લડીશું.