સમગ્ર દેશમાં ગરમીનો કહેર, શનિવારનો દિવસ સિઝનનો સૌથી ગરમ નોંધાયો, 30નાં મોત
છેલ્લા એક સપ્તાહથી દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ઉત્તર ભારતમાં તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે, રાજસ્થાનના ચુરુમાં 51 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાયું હતું અને રાજ્યમાં અનેક વિસ્તારમાં સડકનો ડામર પણ ઓગળી ગયો હતો
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ગરમી કહેર વરસાવી રહી છે. શનિવારનો દિવસ આ સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ નોંધાયો. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી અને લૂની ઝપટમાં છે. રાજસ્થાન,પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પૂર્વીય રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, લૂની ઝપેટમાં છે. 145 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજસ્થાનનાં ગંગાનગરમાં તાપમાન 49.6 ડિગ્રી રહ્યું. રાજસ્થાનનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાન 44 ડિગ્રીથી ઉપર નોંધાયું. હવામાન વિભાગના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં લૂ લાગવાના કારણે 30 લોકોનાં મોત થયાં છે.
દેશમાં લૂ અંગે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. હવામાન વિભાગે લોકોને કામ વગર બહાર ન નિકળવાની અને ઘરમાં રહેવાની ભલામણ કરી છે. જૂનના પહેલા સપ્તાહમાં પણ ગરમીનો દોર ચાલુ રહી શકે છે. રાજસ્થાનમાં આ સમયે ઉત્તર પશ્ચિમી અને પશ્ચિમી ગરમ હવાઓ ચાલી રહી છે. આ ગરમીના કારણે ચોમાસામાં વિલંબ અને પ્રી મોનસૂન સીઝનમાં ઓછો વરસાદ નોંધાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ચોમાસુ 6 જૂનથી કેરળમાં પહોંચવાની આશા છે.
દિલ્હીમાં તાપમાન 46 ડિગ્રીને પાર
હવામાન વિભાગ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની પાલમ હવામાન ખાતાની કચેરીમાં મહત્તમ તાપમાન 46.1 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીમાં 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આગામી એક સપ્તાહ સુધી ગરમીનો પ્રકોપ ચાલી રહે તેવી સંભાવના છે.