નવી દિલ્હીઃ રવિવારે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં હજયાત્રા માટે 20 લાખ જેટલા શ્રદ્ધાળુ મક્કા પહોંચ્યા છે. મક્કા પહોંચેલા શ્રદ્ધાળુઓ પવિત્ર કાબાની ફરતે તવાફ કરે છે. હજના દિવસોમાં તેઓ મક્કાથી મીના અને અરાફાતના મેદાનમાં પાંચ દિવસ સુધી હજની વિધી કરવા માટે જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે સાઉદી અરબ સરકાર દ્વારા મીનાના મેદાનમાં જનારા હજયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે હજયાત્રીઓને આરામ કરવા માટે વિશેષ એરકંડીશન્ડ તંબુ આપવામાં આવશે. આ તંબુ મિના ખાતે 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન ઉપલબ્ધ રહેશે. 


આ તંબુનું વિશેષ રીતે નિર્માણ કરાયું છે. ફાઈબર ગ્લાસના બનેલા આ તંબુનો ઉપયોગ હજયાત્રી તદ્દન મફતમાં કરી શકશે. એરકન્ડીશન્ડ તંબુમાં એક પથારી, એક ચાદર અને એક અરીસો આપવામાં આવેલો હશે. હજયાત્રી તેમાં ત્રણ કલાક સુધી આરામ કરી શકશે.  


આ વર્ષે ભારતમાંથી લગભગ 1.28 લાખ કરતાં વધારે શ્રદ્ધાળુઓ હજ કરવા માટે સાઉદી અરબ પહોંચ્યા છે. ભારતીય હજ સમિતિ દ્વારા આ વર્ષે 1,28,702 હજયાત્રીને સાઉદી અરબ મોકલવામાં આવ્યા છે. 


ભારત સરકાર દ્વારા આ વર્ષે હજયાત્રીઓને પહોંચાડવા માટે 466 ઉડાન ભરવામાં આવી હતી. છેલ્લી ફ્લાઈટ શુક્રવારે સવારે જિદ્દાહમાં લેન્ડ થઈ હતી. 


ભારતમાંથી આ વર્ષે રેકોર્ડ 1,75,025 મુસ્લિમો હજ પઢવા માટે મક્કા પહોંચ્યા છે. આ વર્ષે હજ પઢવા ગયેલા કુલ શ્રદ્ધાળુઓમાંથી લગભગ 47 ટકા મહિલાઓ છે, જે ભારતમાંથી અત્યાર સુધી હજ પઢવા ગયેલી મહિલાઓની સંખ્યામાં સૌથી વધુ છે. 


ગયા વર્ષ સુધી મુસ્લિમ મહિલાઓ માટે હજ પઢવા જવું હોય તો તેમની સાથે તેમનો પતિ અથવા મહેરમ (એવી વ્યક્તિ કે જેની સાથે તે મહિલાના લગ્ન થઈ શકે એમ નથી) હોવો ફરજિયાત હતું. આ વર્ષે પ્રથમ વખત અસંખ્ય ભારતીય મહિલાઓ પુરુષ સંબંધીના સંગાથ વગર હજ પઢવા ગઈ છે. તેની સાથે જ આ વર્ષે પ્રથમ વખત સબસિડી વગર લોકો હજયાત્રાએ ગયા છે.