Coronavirus: કોરોના મૃતકોના પરિજનો માટે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- વળતર આપે સરકાર
દેશમાં કોરોના વાયરસ પર થયેલા મોત પર સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્ણય કર્યો છે અને કેન્દ્ર સરકારને મહામારીથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપવાના નિર્દેશ આપ્યા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) પર થયેલા મોત પર સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્ણય કર્યો છે અને કેન્દ્ર સરકારને મહામારીથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપવાના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વળતર નક્કી કરતા નથી પરંતુ NDMA છ અઠવાડિયાની અંદર પ્રત્યેક કોવિડ પીડિતને ચૂકવવામાં આવનારી સહાયતાની રકમ નિર્ધારિત કરવાના દિશાનિર્દેશ જાહેર કરે.
NDMA ફરજ નિભાવવામાં નિષ્ફળ- સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે National Disaster Management Authority (NDMA) માટે કોવિડ પીડિતોને વળતરની રકમ આપવી જરૂરી છે. આ રકમ ન આપીને એનડીએમએ પોતાની બંધારણીય ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે. સરકાર કોરોના મૃતકોના પરિજનોને વળતર આપે. જો કે આ રકમ કેટલી હોવી જોઈએ તે સરકાર પોતે નક્કી કરે. કોર્ટે સ્વીકાર્યું કે કોવિડથી થયેલા મોત પર ચાર લાખ રૂપિયાનું વળતર આપવું શક્ય નથી.
સરકારે વળતર આપવામાં જતાવી હતી અસમર્થતા
આ અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કોરોના વાયરસ મૃતકોના પરિજનોને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં અસમર્થતા દર્શાવી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આમ કરવું શક્ય નથી. કારણ કે તેનાથી સરકારનો ખજાનો ખાલી થઈ શકે છે. સરકારે કહ્યું હતું કે અમારું ફોકસ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રેક્ચર મજબૂત કરવા પર છે.
કોરોનાથી દેશમાં લગભગ 4 લાખ લોકોના થયા છે મોત
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 3,98,454 લોકોના મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 45,951 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો હવે 3,03,62,848 પર પહોંચી ગયો છે. હાલ કુલ 5,37,064 દર્દીઓ સારવાર હેઠળ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube