ગીરના જંગલમાં સિંહોના મોત મામલે કેન્દ્ર અને ગુજરાત સરકાર પાસે ખુલાસો માગતી સુપ્રીમ
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આ અત્યંત ગંભીર બાબત છે અને સરકારે સિંહોના મોતનું કારણ તાત્કાલિક ધોરણે જાણવું જોઈએ, એશિયાટિક પ્રજાતિને બચાવવી અત્યંત જરૂરી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે ગીરના જંગલમાં છેલ્લા એક મહિનામાં મોટી સંખ્યામાં થયેલા સિંહોના મોત મામલે કેન્દ્ર અને ગુજરાત સરકાર પાસે ખુલાસો માગ્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આ અત્યંત ગંભીર બાબત છે અને સરકારે સિંહોના મોતનું કારણ તાત્કાલિક ધોરણે જાણવું જોઈએ, એશિયાટિક પ્રજાતિને બચાવવી અત્યંત જરૂરી છે. સુપ્રીમના સવાલનો જવાબ આપતાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ બાબતે તેને થોડો સમય જોઈશે અને તે ટૂંક સમયમાં જ જવાબ આપશે. ગુજરાત સરકારે પણ આ બબતે યોગ્ય પગલાં લેવાની સુપ્રીમને ખાતરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, 12 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં સિંહના અભયારણ્યમાં કુલ 23 સિંહના મોત થઈ ચૂક્યાં છે. જેમાં 12થી 19 સપ્ટેમ્બર દરમિયાન 11 સિંહના મોત ઈનફાઈટ અને ઈન્ફેક્શનને કારણે થયા હતા. જ્યારે અન્ય 12નાં મોત 20થી 30 સપ્ટેમ્બર દરમિયાન તેમને સલામત સ્થળે ખસેડ્યા બાદ થયા હતા.
આ પણ વાંચો : દલખાણીયા વિસ્તાર બન્યો સિંહ માટે કબર...
આ અગાઉ, મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ અત્યંત દુઃખદ ઘટના છે. પોરબંદરમાં ગાંધીજયંતીના કાર્યક્રમમાં બોલતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "આ અત્યંત કમનસીબ ઘટના છે. કોઈ એક રેન્જમાં એકસાથે 20-22 સિંહના મોત ઈન્ફેક્શનને કારણે થયાં છે. અન્ય સિંહોને પણ આ પ્રકારે કોઈ ચેપ લાગ્યો છે કે નહીં એ ચકાસવા માટે અમે દિલ્હી અને પુનાથી ડોક્ટરોની ટીમ બોલાવી છે." તેમણે વધુમાં જણાવ્યું કે, "આ સાથે જ આ રેન્જમાં જવાબદાર અધિકારીઓએ કોઈ નિષ્કાળજી કે બેદરકારી દાખવી નથી તેના અંગે અમે તપાસ કરી રહ્યા છીએ."
વન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે, ગીર અભયારણ્યની દલખાણીયા રેન્જમાં રહેતા આ સિંહોમાંથી 4 સિંહના મૃતદેહમાં વાયરસનું ઈન્ફેક્શન જોવા મળ્યું છે, જ્યારે છ સિંહોને બગાઈઓ દ્વારા ફેલાતા 'પ્રોટોઝા' પ્રકાર વાઈરસનો ચેપ લાગ્યો હતો.
11થી 19 સપ્ટેમ્બર દરમિયાન એક સામટા 11 સિંહના મોત થયા બાદ વન વિભાગ દ્વારા આ રેન્જમાં રહેલા બિમાર સિંહોને શોધી કાઢવા માટે અભિયાન ચલાવાયું હતું અને તેમાં 12 સિંહને રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, રેસ્ક્યુ સેન્ટરમાં પણ આ 12 સિંહના મોત થઈ ગયા છે. આ સિંહોના કયા વાયરસના કારણે મોત થયાં છે એ હજુ જાણી શકાયું નથી.