નવી દિલ્હી: દેશભરમાં ગૌરક્ષાના નામ પર થઈ રહેલી ભીડ દ્વારા હિંસાના મામલે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે. આ મામલે સુનાવણી જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પેનલ કરી કરી રહી છે.  3જી જુલાઈના રોજ તેમણે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રકારના મામલાઓમાં હજુ સુધી સ્પષ્ટ ગાઈડલાઈન્સ ન હોવાના કારણે પોલીસ કાર્યવાહીમાં મુશ્કેલીઓ આવી રહી હતી અને દોષિતો સરળતાથી બચી જતા હતાં. આ કારણોસર સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કહેવાયું હતું કે કોર્ટ ગૌરક્ષા નામ પર થઈ રહેલી ભીડ દ્વારા હિંસાને રોકવા માટે ગાઈડલાઈન્સ જારી કરે. કહેવાય છે કે સુપ્રીમ કોર્ટ આજે આ અંગે દિશા નિર્દેશ પણ જારી કરશે.


આ અગાઉ સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતું કે રાજ્ય સરકારોની જવાબદારી છે કે ભીડ દ્વારા થઈ રહેલી આ  પ્રકારની હિંસાને કોઈ પણ રીતે રોકવામાં આવે. કોર્ટે કહ્યું છે કે આ ફક્ત કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલો મામલો નથી પરંતુ એક અપરાદ છે અને તેની સજા મળવી જોઈએ. કોઈ કાયદો હાથમાં લે તે વાત કોર્ટ સ્વીકારી શકે નહીં. 


અરજીકર્તા ઈંદિરા જયસિંહે કહ્યું કે ભારતમાં અપરાધિઓ માટે ગૌરક્ષાના નામ પર હત્યા કરવી એ ગર્વની વાત બની ગઈ છે. તેમણે કહ્યું કે સરકાર પોતાના નાગરિકોના અધિકારોની રક્ષા કરવામાં નિષ્ફળ ગઈ છે અને તેમના જીવનની સુરક્ષાની ગેરંટી આપી શકતી નથી. તેમણે કહ્યું કે સરકારો આ પ્રકારે અપરાધ કરનારા પર કડક  કાર્યવાહી કરવામાં પણ નિષ્ફળ રહી છે. આથી સમયની માંગ છે કે આ અંગે સ્પષ્ટ દિશાનિર્દેશ જારી કરવામાં આવે. 


સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ પી એસ નરસિંહાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ મામલે સજાગ અને સતર્ક છે. પરંતુ મુખ્ય સમસ્યા કાયદા વ્યવસ્થાની છે. કાયદા વ્યવસ્થા પર નિયંત્રણ રાખવાનું કામ રાજ્યોની જવાબદારી છે. જ્યાં સુધી રાજ્ય સરકાર ગુહાર ન લગાવે ત્યાં સુધી કેન્દ્ર તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં.