પહેલાં ફિલ્મની ઓફર અને હવે નોકરી, ગુજરાતના વેપારીએ સીમા-સચિનને લાખોની જોબ ઓફર કરી
Seema Haider: તપાસ એજન્સીઓના દાયરામાં આવ્યા બાદ તેમનું ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. પરંતુ હવે સચિન અને સીમાની જાણે લોટરી લાગી ગઈ છે. ગુજરાતના એક કારોબારીએ બંનેને રાહત આપી છે.
પાકિસ્તાનથી નેપાળના રસ્તે ભારત આવેલી સીમા હૈદર સતત ચર્ચામાં છે. થોડા સમય પહેલા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે સચિનના પરિવારને ખાવાના સાંસા પડી ગયા છે. હકીકતમાં તપાસ એજન્સીઓના દાયરામાં આવ્યા બાદ તેમનું ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. પરંતુ હવે સચિન અને સીમાની જાણે લોટરી લાગી ગઈ છે. ગુજરાતના એક કારોબારીએ બંનેને રાહત આપી છે. કારોબારીએ સીમા હૈદર અને સચિન મીણાને 50-50 હજાર રૂપિયા પ્રતિ મહિનાની નોકરીની ઓફર આપી છે. એટલે કે વાર્ષિક 6 લાખ રૂપિયા પગારની નોકરીની ઓફર આપવામાં આવી છે.
વિવિધ મીડિયા રિપોર્ટ્સ મુજબ તાજેતરમાં સીમા અને સચિનના ઘરે એક પત્ર આવ્યો. આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આખરે આ પત્ર કોના તરફથી આવ્યો છે અને કોણે મોકલ્યો છે. ત્યારબાદ ઘર પર તૈનાત જવાનોએ આ લેટર લીધો અને વરિષ્ઠ અધિકારીઓને સોંપી દીધો. ત્યારબાદ જ્યારે આ લેટર ખોલ્યો તો તેને ગુજરાતના કોઈ વેપારી તરફથી મોકલવામાં આવ્યો હતો. જેમાં સચિન અને સીમાને 50-50 હજરા રૂપિયા મહિને પગારની ઓફર આપવામાં આવી હતી. જો કે હજુ એ વાતની પુષ્ટિ થઈ નથી કે આખરે આ પત્ર કયા વેપારીએ મોકલ્યો હતો.
સીમા અને સચિન મીણાના નામથી તેમના ઘરના સરનામે મોકલવામાં આવેલા પત્રમાં વેપારીએ એમ પણ લખ્યું છે કે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે જોઈન કરી શકે છે. બંનેને વાર્ષિક 6-6 લાખ રૂપિયાનું પેકેજ ઓફર કરાયું છે. આ પત્ર ત્રણ પાનાનો છે જેમાં બીજી પણ અનેક વાતો લખાઈ છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનની સીમા હૈદર અને ભારતના ગ્રેટર નોઈડાના એક ગામમાં રહેતા સચિન મીણાની મુલાકાત પબજી ગેમ દ્વારા થઈ હતી.
બંને થોડા સમય વર્ષો પહેલા ઓનલાઈન ગેમ રમતા રમતા એકબીજાની નજીક આવી ગયા હતા. ત્યારબાદ સીમા તેના બાળકો સાથે પાકિસ્તાનથી નેપાળ આવી ગઈ અને સચિન પણ ત્યાં પહોંચી ગયો હતો. બંનેનો દાવો છે કે તેઓએ અહીં એક મંદિરમાં લગ્ન કર્યા અને સીમાએ પોતાનો ધર્મ પણ બદલી લીધો. ત્યારબાદ નેપાળથી બંને ગ્રેટર નોઈડા આવી ગયા અને ત્યારથી તેઓ સચિનના ઘરે રહે છે.
બીજી બાજુ હાલમાં જ અંજુનો પણ મામલો ચર્ચામાં છે. ભારતીય અંજુ પાકિસ્તાનના નસરુલ્લાહના પ્રેમમાં પડી. ત્યારબાદ અંજુએ પાકિસ્તાન જઈને નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા અને ધર્મપરિવર્તન પણ કરી લીધુ.
ફિલ્મમાં કામ કરવા માટે પણ મળી ઓફર
અત્રે જણાવવાનું કે સીમાની આર્થિક સ્થિતિ જોઈને એક ફિલ્મ પ્રોડ્યુસરે પણ તેને પોતાની ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી હોવાના મીડિયા રિપોર્ટ્સ છે. પ્રોડ્યુસર અમિત જાનીએ સીમાને પોતાના પ્રોડક્શન હાઉસમાં કામ કરવાની તક આપી છે. યુપીમાં નવનિર્માણ સેનાના અધ્યક્ષ અમિત જાનીએ હાલમાં જ મુંબઈમાં એક પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે અને તેઓ ઉદયપુરમાં દરજી કનૈયાલાલ સાહૂની હત્યા પર એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું નામ ધ ટેલર મર્ડર સ્ટોરી રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થાય તેવી શક્યતા હાલ વ્યક્ત કરાઈ રહી છે. અમિતે સીમા અને સચિનને ફિલ્મમાં કામ કરવાની ઓફર મૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube