Drugs Party: આખરે આ રીતે NCB ની પકડમાં આવ્યો બોલીવુડ બાદશાહનો લાડકો પુત્ર આર્યન, વાંચો રેડની ઈનસાઈડ સ્ટોરી
મુંબઈમાં મધદરિયે રેવ પાર્ટીમાં સામેલ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને પકડવા માટે NCB એ સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી.
નવી દિલ્હી: મુંબઈમાં મધદરિયે રેવ પાર્ટીમાં સામેલ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને પકડવા માટે NCB એ સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ શાહરૂખ ખાનના પુત્ર આર્યનના ડ્રગ પેડલરો સાથે સંપર્ક અંગે એજન્સીને પહેલેથી સૂચના મળી રહી હતી. જેવી તેમને રેવ પાર્ટી અંગે માહિતી મળી કે તેમણે દરોડો પાડી દીધો.
પહેલેથી રાખવામાં આવી રહી હતી નિગરાણી
NCB સૂત્રોના જણાવ્યાં મુજબ જે સમયે રેવ પાર્ટી થવાની હતી ત્યારે ત્યાં 1200થી 1300 લોકો હાજર હતા. NCB ને તે ભીડમાં 8થી 10 લોકોની તલાશ હતી. એજન્સીને આ પાર્ટીમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના સામેલ થવાની પાક્કી સૂચના મળી હતી. એનસીબીએ આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ પર નજર રાખવા માટે અલગથી એક અધિકારી તૈનાત કર્યો હતો.
NCB ની ટીમે આ રીતે દબોચ્યો
પાર્ટીવાળી જગ્યાએ આર્યન ખાનના નામથી કોઈ સ્પેશિયલ રૂમ બુક નહતો. જો કે આયોજકોએ આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ માટે અલગથી ખાસ કોમ્પ્લીમેન્ટ્રી રૂમ રાખ્યો હતો. જેવા આ બંને તે કોમ્પ્લીમેન્ટ્રી રૂમમાં જવા લાગ્યા કે ત્યારે જ NCB ના અધિકારી તેમની સામે આવી ગયા અને અંદર જતા રોક્યા. જ્યારે બંનેની તલાશી લેવાઈ તો આર્યન ખાન પાસેથી તો કઈ ન મળ્યું પરંતુ અરબાઝ મર્ચન્ટના જૂતામાંથી ચરસ મળી આવ્યું.
મોબાઈલ ચેટમાં મળ્યા પુરાવા
એનસીબીએ બંનેના મોબાઈલ ફોનની તપાસ કરી તો તેમાં અનેક ચેટ્સ મળી આવી જેમાં તેઓ ચરસના ઉપયોગની વાત કરતા હતા. આર્યનની પૂછપરછમાં તેણે આ વાત કબૂલ પણ કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ એનસીબીને પહેલેથી ખબર હતી કે આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ એનસીબીને જેની લાંબા સમયથી તલાશ છે તે ડ્રગ પેડલરના સંપર્કમાં છે. આથી રેવ પાર્ટીમાં જતાની સાથે જ બંનેને દબોચી લેવાયા.
સેનેટરી પેડમાં છૂપાવેલું હતું ડ્રગ્સ
અત્રે જણાવવાનું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શનિવારે મુંબઈમાં ચાલી રહેલી એક હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટી પર રેડ પાડીને 8 લોકોની અટકાયત કરી હતી અને બાદમાં તેમની ધરપકડ કરી લેવાઈ. ધરપકડ કરાયેલા લોકોમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ સામેલ છે. એનસીબીના સૂત્રોએ કહ્યું કે પાર્ટીમાં સામેલ થયેલા લોકો ડ્રગ્સ સેનેટરી પેડ્સ અને મેડિસિન બોક્સમાં છૂપાવીને લાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube