બળવાખોરીનું પરિણામ!, શત્રુઘ્ન સિન્હાને હવે નહીં મળે આ મહત્વની VVIP ટ્રિટમેન્ટ
ભાજપ સામે મોરચો માંડીને બેઠેલા બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિન્હાને હવે પટણા એરપોર્ટ પર વીવીઆઈપી વ્યક્તિ તરીકે સુરક્ષા તપાસમાંથી છૂટ મળશે નહીં.
પટણા: ભાજપ સામે મોરચો માંડીને બેઠેલા બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિન્હાને હવે પટણા એરપોર્ટ પર વીવીઆઈપી વ્યક્તિ તરીકે સુરક્ષા તપાસમાંથી છૂટ મળશે નહીં. જયપ્રકાશ નારાયણ એરપોર્ટના ડાઈરેક્ટર રાજેન્દ્ર સિંહ લાહોરિયાએ સોમવારે જણાવ્યું કે સિન્હાને પોતાનું વાહન અંદર સુધી લાવવા ઉપરાંત તપાસમાંથી છૂટ મળેલી હતી.
તેમણે પત્રકારોને જણાવ્યું કે શત્રુઘ્ન સિન્હાને એક સમયમર્યાદા માટે આ સુવિધાઓ પ્રાપ્ત હતી. જે ચાલુ વર્ષે જૂનમાં પૂરી થઈ ગઈ. આ સમયમર્યાદાને આગળ વધારવા માટે કોઈ આદેશ મળ્યો નથી. પૂર્વ કેન્દ્રીય મંત્રીને આપવામાં આવી રહેલી સુવિધાઓ અંગે પૂછવામાં આવેલા સવાલનો તેઓ જવાબ આપી રહ્યાં હતાં. અત્રે જણાવવાનું કે સિન્હા પટણા સાહિબ સીટનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રની મોદી સરકાર અને ભાજપના વર્તમાન નેતૃત્વની આકરી ટીકા કરતા આવ્યાં છે.
એવી અટકળો છે કે જો ભાજપ પટણા સાહિબથી કોઈ અન્ય ઉમેદવારને આગામી વર્ષે લોકસભા ચૂંટણીમાં ઉતારશે તો સિન્હા અન્ય કોઈ પક્ષની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. શત્રુઘ્ન સિન્હા હાલ આરજેડી સાથે ખુબ નીકટ જોવા મળી રહ્યાં છે.
ગત દિવસોમાં તેઓ ઝારખંડની રિમ્સમાં આરજેડીના ચીફ લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરવા પણ પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે તેમના પુત્ર તેજસ્વી યાદવને બિહારનું ભવિષ્ય ગણાવ્યાં હતાં. ભાજપ સાથે મિત્રતા પહેલા તેઓ નીતિશકુમારના પણ ખુબ વખાણ કરતા હતાં પરંતુ નીતિશે ભાજપ સાથે હાથ મિલાવતા હવે નીતિશ કુમાર સાથે પણ તેમનું અંતર વધ્યું છે. એવામાં મનાય છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેમનું ભાજપમાંથી પત્તુ કપાઈ શકે છે. જોવાનું એ રહેશે કે તેઓ આખરે કોનો હાથ થામે છે.
(ઈનપુટ-ભાષા)
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...