નવી દિલ્હી : મેઘાલયની રાજધાની શિલોંગમાં હિંસા બાદ તણાવપુર્ણ પરિસ્થિતી છે. બીજી તરફ સચિવાલયની બહાર 300 જેટલા પ્રદર્શનકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી કોનરાડ સંગ્મા સચિવાલયની અંદર છે. બીજી તરફ રાજધાની તરફથી જનારા દરેક રસ્તા પર નજર રાખવા માટે ભારે સુરક્ષા દળ ગોઠવવામાં આવ્યું છે. રાજધાનીમાં પ્રવેશનાં તમામ માર્ગો પર ભારે સુરક્ષા દળ ગોઠવી દેવાયું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિસ્થિતી પર કાબુમેળવવા માટે સીઆરપીએફની 11 કંપનીને ફરજંદ કરાઇ છે. સ્થાનીક તંત્રને એવા સમાચાર મળી રહ્યા હતા કે બહારનાં લોકોને પણ શિલોન્ગ બોલાવવામાં આવી રહ્યા છે, એવામાં કોઇ અપ્રિય ઘટનાને ટાળવા અને બગડી રહેલી પરિસ્થિતી પર કાબુ મેળવવા માટે તંત્ર દ્વારા તાત્કાલીક કંપનીઓને ફરજંદ કરવામાં આવી છે. 

ગત્ત અઠવાડીયે થઇ હતી હિંસા
રાજધાની શિલોન્ગમાં ગત્ત અઠવાડીયે ગુરૂવારે થયેલી હિંસા બાદ વિસ્તારમાં તણાવની પરિસ્થિતી છે. તણાવપુર્ણ સ્થિતી વચ્ચે રવિવારે કર્ફ્યુમાં ઢીલ અપાઇ હતી. જો કે કેટલાક અસામાજીક દ્વારા આ ઢીલનો પણ ગેરફાયદો ઉઠાવ્યો હતો. રવિવારે સાંજે કેટલાક લોકોએ સુરક્ષા દળો પર પેટ્રોલ બોમ્બ વડે હૂમલો કર્યો હતો. પોલીસની ટુકડી જે દરમિયાન અહીં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે જ ટોળાએ તેના પર પેટ્રોલ બોમ્બ વડે હૂમલો કર્યો હતો. ત્યાર બાદ પોલીસે ભીડ પર ટીયર ગેસનાં શેલ છોડ્યા હતા. આ વિસ્તારમાં ઇન્ટરનેટને તાત્કાલીક બંધ કરી દીધું હતું.

હિંસા બાદ આ મુદ્દે રાજકારણ ચાલુ થઇ ચુક્યું છે. હિંસા અંગે મેઘાલયનાં મુખ્યમંત્રી કોનરાડ સંગ્માએ કહ્યું કે, ગુરૂવારે ભડકેલી હિંસા સ્થાનિક મુદ્દાનાં કારણે હતી અને હવે તેને સાંપ્રદાયિક સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. આ એક સ્થાનિક અને નાનકડો ઝગડો હતો જે આટલો ઉગ્ર થઇ ચુક્યો છે.