કર્ણાટકના બ્લાસ્ટ પર પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું, લોકોએ આંચકાના વીડિયો શેર કર્યાં
આ ઘટના બાદ અનેક લોકોએ ઘરમાં અનુભવાયેલા આંચકાના વીડિયો શેર કર્યાં છે
લોકો આ આંચકાને ભૂકંપના આંચકા સાથે સરખાવી રહ્યાં છે
ઝી મીડિયા/બ્યૂરો :મોડી રાત્રે કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં લોકોને આંચકા અનુભવાયા હતા. બેંગલુરુથી અંદાજે 350 કિલોમીટર દૂર શિવમોગા (Shivamogga) માં લોકોએ તેજ ધડાકો સાંભળ્યો હતો. આ ઘટના 21 જાન્યુઆરીની મોડી રાત્રે અંદાજે 10.20 કલાકે બની હતી. આ ધડાકો એટલો તેજ હતો કે, લોકોના ઘરના કાચ પણ તૂટી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શિવમોગા જિલ્લામાં ગુરુવારે રાત્રે ટ્રકમાં ભરીને લઈ જવામાં આવેલ વિસ્ફોટકમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત નિપજ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે, ખનનના હેતુથી આ ટ્રક જઈ રહ્યો હતો. પત્થર તોડવાના એક સ્થાન પર મોડી રાત્રે સાડા દસ વાગ્યે લગભગ બ્લાસ્ટ થયો હતો. જેને કારણે શિમોગા પાસે ચિક્કમગલુરુ અને દાવણગેરે જિલ્લામાં આંચકા અનુભવાયા હતા. ત્યારે સમગ્ર ઘટનામાં બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેની તસવીરો અને વીડિયો શેર કર્યાં છે. Shimoga earthquake હેશટેગ સાથે ટ્વિટર પર આ ઘટના ટ્રેન્ડ થઈ હતી. તો પીએમ મોદીએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.
આ ઘટના બાદ અનેક લોકોએ ઘરમાં અનુભવાયેલા આંચકાના વીડિયો શેર કર્યાં છે. લોકો આ આંચકાને ભૂકંપના આંચકા સાથે સરખાવી રહ્યાં છે.
જિલેટિન લઈ જઈ રહેલા ટ્રકમાં બ્લાસ્ટ
આ ઘટનાને નજરે જોનારા લોકોનું કહેવું છે કે, વિસ્ફોટ એટલો તેજ હતો કે, ઘરોના કાચ પણ તૂટી ગયા અને રસ્તા પર તિરાડો પડી ગઈ છે. બ્લાસ્ટથી એવુ લાગ્યું જાણે ભૂકંપ આવ્યો હોય. આ માટે ભૂર્ગભ વૈજ્ઞાનિકોનો સંપર્ક કરવામા આવ્યો છે.
ખીણના કામમાં લાગ્યો હતો ટ્રક
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ કોઈ ભૂકંપ આવ્યો ન હતો. પરંતુ શિમોગાના બહારના વિસ્તારમાં ગ્રામીણ પોલીસ વિસ્તારની હદમાં વિસ્ફોટ થયો હતો. તો અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું, જિલેટિન લઈ જઈ રહેલા ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ટ્રકમાં સવાર 6 મજૂરોના મોત નિપજ્યા છે. સ્થાનિક સ્તરે લોકોને બ્લાસ્ટથી આંચકા આવ્યા હતા.
સમગ્ર ઘટનામાં મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, શિમોગા કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનું ગૃહ જનપદ છે.