શિવપાલ યાદવની પાર્ટીના કયા નામને ચૂંટણી પંચે મંજુરી આપી, જાણો...
એક કાર્યક્રમમાં શિવપાલ યાદવે જણાવ્યું કે, આપણી પાર્ટીનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. પાર્ટીનું નામ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા રાખવામાં આવ્યું છે
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના નેતૃત્વથી નારાજ થઈને સમાજવાદી સેક્યુલર મોરચાની રચના કરનારા ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી શિવપાલ સિંહે મંગળવારે જણાવ્યું કે, તેમની પાર્ટીનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને તેને 'પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા' નામ મળ્યું છે.
શિવપાલે અહીં આયોજિત એક મોરચાના કાર્યક્રમમાં જણાવ્યું કે, આપણા પાર્ટીનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા પાર્ટીના 'પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા' નામને મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના મુલાયમ સિંહ યાદવની સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ તેમના ભાઈ અને અખિલેશના કાકા શિવપાલ યાદવ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. આ ઉપેક્ષાથી નારાજ થઈને તેમણે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સમાજવાદી સેક્યુલર મોરચાની રચના કરી હતી.
તેમણે આગામી લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની તમામ 80 બેઠક પર ઉમેદવાર ઊભા રાખવાની પણ એ સમયે જાહેરાત કરી હતી.
અત્યારે જસવંતનગર બેટક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા શિવપાલે કોઈનું નામ લીધા વગર જણાવ્યું કે, તેઓ પાર્ટીમાં એક્તાની તરફેણમાં હતા, પરંતુ કેટલાક ખુશામતખોરોને કારણે તેમને પાર્ટી છોડવી પડી હતી. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શારદા પ્રતાપ શુક્લાએ શિવપાલનું સ્વાગત કરતા જણાવ્યું કે, ેતમની પાર્ટી આગામી સમયમાં ઉત્તર પ્રદેશમાં એક મોટી રાજકીય તાકાત બનશે.
ઉલ્લેખનીય છે કે, ગત 18 સપ્ટેમ્બરના રોજ સમાજવાદી પાર્ટીમાંથી છુટા થઈને શિવપાલ સિંહ યાદવે નવા રાજકીય પક્ષની રચના કરી હતી. તેમની આ પાર્ટીને હવે 'પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા' નામથી ચૂંટણી પંચમાં રજિસ્ટ્રેશન કરાવાયું છે.