આ શું થઈ રહ્યું છે? અમેરિકામાં ભારતીય મૂળના અકુલ ધવનના મોત પર અત્યંત ચોંકાવનારો ખુલાસો
20 જાન્યુઆરીના રોજ થયેલા એક ભારતીય વિદ્યાર્થી અકુલ ધવનના મોત મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. સર્વિલાન્સ ફૂટેજથી જાણવા મળ્યું કે અકુલે વારંવાર ક્લબની અંદર જવાની કોશિશ કરી પરંતુ સ્ટાફે તેને એન્ટ્રી ન આપી. તે દિવસે રાતનું તાપમાન માઈનસ 2.7 ડિગ્રી હતું.
અમેરિકામાં સતત થઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓના મોતનો મામલો તૂલ પકડી રહ્યો છે. આ મામલો કેટલો ગંભીર બન્યો છે તે વાતનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકાય કે વ્હાઈટ હાઉસે તેનો જવાબ આપવો પડ્યો હતો. આ બધા વચ્ચે 20 જાન્યુઆરીના રોજ થયેલા એક ભારતીય વિદ્યાર્થી અકુલ ધવનના મોત મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે.
તપાસમાં સામે આવ્યું છે કે અમેરિકાની ઈલિનોઈસ યુનિવર્સિટીમાં ભણતા ભારતીય મૂળના વિદ્યાર્થી અકુલ ધવનનું હાઈપોથર્મિયાથી મોત નિપજ્યું હતું. એવું કહેવાય છે કે અકુલ તેના કેટલાક મિત્રો સાથે નાઈટ આઉટ પર હતો. તેઓ એક નાઈટ ક્લબ જવા નીકળ્યા હતા. નાઈટ ક્લબમાં અકુલના મિત્રોને પ્રવેશ મળ્યો પરંતુ અકુલને ન મળ્યો. હવે અકુલના મોતના એક મહિના બાદ શેમ્પેઈન કાઉન્ટીના કોરોનર ઓફિસે એક ખુલાસો કર્યો છે. કેમ્પસ પોલીસ વિભાગ મુજબ ધવનનું મોત 20 જાન્યુઆરીએ થયું હતું. રિપોર્ટ મુજબ ધવન તેના મિત્રો સાથે દારૂ પી રહ્યો હતો. પરંતુ રાતે લગભગ 11.30 વાગ્યાની આજુબાજુ તેના મિત્રો કેમ્પસ પાસ આવેલી કૈનોપી ક્લબ ગયા પરંતુ ક્લબ સ્ટાફે અકુલ ધવનને એન્ટ્રી આપવાની ના પાડી દીધી હતી.
કેવી રીતે થયું મોત
સર્વિલાન્સ ફૂટેજથી જાણવા મળ્યું કે અકુલે વારંવાર ક્લબની અંદર જવાની કોશિશ કરી પરંતુ સ્ટાફે તેને એન્ટ્રી ન આપી. તે દિવસે રાતનું તાપમાન માઈનસ 2.7 ડિગ્રી હતું. આખી રાત અકુલના મિત્રો તેને ફોન કરતા રહ્યા પરંતુ અકુલે ફોન ઉઠાવ્યો નહીં. ત્યારબાદ અકુલના એક મિત્રએ કેમ્પસ પોલીસનો સંપર્ક કર્યો. અનેક પ્રયત્નો કરવા છતાં અકુલની કોઈ ભાળ મળી નહતી.
બીજા દિવસે સવારે એક બિલ્ડિંગ પાછળ અકુલ સૂતેલો મળી આવ્યો હતો. તે વખતે જ તેને મૃત જાહેર કરાયો હતો. ત્યારબાદ પોલીસે અકુલના મોતનું કારણ વધુ પ્રમાણમાં દારૂનું સેવન અને ગાત્રો થીજવતી ઠંડી ગણાવ્યું હતું.
પરિવારે ઉઠાવ્યા સવાલ
અકુલ ધવનના મોત અંગે તેના પરિવારે પોલીસના નામે ખુલ્લો પત્ર લખીને તેમના પર સવાલ ઉભા કર્યા હતા. અકુલના પરિવારે ધ ન્યૂઝ ગેઝેટમાં પ્રકાશિત એક ઓપન લેટરમાં કહ્યું હતું કે અમે સતત પૂછતા રહ્યા કે અકુલના ગૂમ થયાના દસ કલાક બાદ તેનો મૃતદેહ કેમ મળ્યો? જો તેને સમયસર શોધ્યો હોત તો બચાવી શકાયો હોત. જે જગ્યાએથી તે ગૂમ થયો હતો અને જ્યાંથી તેનો મૃતદેહ મળ્યો તે જગ્યા વચ્ચેનું અંતર માત્ર 200 ફૂટ હતું.
અત્રે જણાવવાનું અકુલ ધવનના માતા પિતા કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં રહે છે. જો કે પોલીસનું કહેવું છે કે તેમણે સૂચના મળતા તરત જ કાર્યવાહી કરી હતી. પરંતુ અકુલના પરિવારનું કહેવું છે કે પોલીસે અમારા પુત્રનો મામલો ગંભીરતાથી લીધો જ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube