મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં શ્રી મહાકાલ લોક કોરિડોરની છ મૂર્તિઓ રવિવારે  બપોરે ફૂંકાયેલા પવનના પગલે પડીને ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. આ જાણકારી એક અધિકારીએ આપી. તેમણે જણાવ્યું કે જ્યારે મૂર્તિઓ પડી ત્યારે તે  કોરિડોર શ્રદ્ધાળુઓથી ખચોખચ ભરેલો હતો. પરંતુ કોઈ પણ વ્યક્તિને નુકસાન થયું નથી. તેમણે સ્વીકાર્યું કે મૂર્તિઓ અને કોરિડોરના કામમાં ગુજરાતની કંપનીઓે કામે લગાડવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા જ 900 મીટર લાંબા શ્રી મહાકાલ લોક કોરિડોરના પહેલા તબક્કાનું લોકાર્પણ કર્યું હતું. કુલ 856 કરોડ રૂપિયાના ખર્ચવાળા આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં શ્રી મહાકાલ લોકને 351 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. દેશના 12 જ્યોતિર્લિંગમાંથી એક એવા મહાકાલેશ્વરનું મંદિર ઉજ્જૈનમાં છે. અહીં દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. 


ઉજ્જૈનના જિલ્લાધિકારી કુમાર પુરુષોત્તમે કહ્યું કે શ્રી મહાકાલ લોક કોરિડોરમાં કુલ 160 મૂર્તિઓ છે. જેમાંથી આજે બપોરે ફૂંકાયેલા પવનના કારણે છ મૂર્તિઓ પડીને તૂટી ગઈ. આ તૂટેલી મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરાયેલા સાત સપ્ત ઋષિઓમાંથી છે અને લગભગ 10 ફૂટ ઊંચી હતી. કોન્ટ્રાક્ટર નવી મૂર્તિઓ લગાવશે કારણ કે પાંચ વર્ષ સુધીની દેખરેખની જવાબદારી પણ તેમની જ છે. અમે આગળ માટે પણ નિયમો વધુ કડક કરી રહ્યા છે અને તેમની જવાબદારી નક્કી ક રવાના છીએ. 


પુરુષોત્તમે સ્પષ્ટ કર્યું કે આ તૂટેલી મૂર્તિઓ મહાકાલ મંદિરની અંદર નહતી. તે શ્રી મહાકાલ લોક કોરિડોરમાં હતી. તેમણે કહ્યું કે કોરિડોરને આંધી તોફાન આવ્યા બાદ લગભગ સાંજે 4 વાગે લોકો માટે બંધ કરી દેવાયો હતો. તેમના જણાવ્યાં મુજબ સાંજે સાત વાગે ફરીથી લોકો માટે ખુલ્લો મૂકાયો અને તે દરમિયાન એક લાખ જેટલા લોકો ઊમટી પડ્યા. તેમણે એમ પણ કહ્યું કે રવિવારેઆવેલા આ ઝંઝાવતી તોફાનથી ઉજ્જૈન જિલ્લામાં બે લોકોના મોત પણ થયા છે. આ ઉપરાંત કેટલાક ઘર પણ પડવાની સૂચના મળી છે. 


આ બધા વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે ટ્વીટ કરીને કહ્યું કે મધ્ય પ્રદેશની તત્કાલિન કોંગર્ેસ સરકારે જ્યારે ઉજ્જૈનમાં મહાકાલ મંદિર પરિસરને ભવ્ય નિર્માણ કરાવવાનો સંકલ્પ લીધો હતો ત્યારે એ વાતની કલ્પના પણ નહતી કરી કે પછીની (ભાજપની) સરકાર મહાકાલ લોકના નિર્માણમાં પણ ગંભીર અનિયમિતતા કરશે. તેમણે કહ્યું કે આજે જે પ્રકારે મહાકાલ લોક પરિસરમાં આંધીના કારણે દેવ પ્રતિમાઓ જમીન પર પડી ગઈ, તે દ્રશ્ય કોઈ પણ ધાર્મિક વ્યક્તિ માટે અત્યંત કરુણ દ્રશ્ય છે. હું મુખ્યમંત્રી પાસે માંગણી કરું છું કે મહાકાલ લોકમાં જે પ્રતિમાઓ પડી છે ત્યાં નવી પ્રતિમાઓ તરત સ્થાપિત કરવામાં આવે અને ખરાબ નિર્માણ કરનારા લોકોને તપાસ કરીને દંડિત કરવામાં આવે.