આઝમના નિવેદન પર લોકસભામાં હોબાળો, રવિશંકરે કહ્યું- માફી માંગે નહીં તો સદનમાંથી સસ્પેન્ડ કરો
લોકસભામાં ગુરુવારે (25 જુલાઈ) સપા સાંસદ આઝમ ખાન કઈંક એવું બોલી ગયા કે ત્યારબાદ હોબાળો મચી ગયો. આજે પણ લોકસભામાં આઝમ ખાન દ્વારા અપાયેલા નિવેદન પર ખુબ હંગામો થયો.
નવી દિલ્હી: લોકસભામાં ગુરુવારે (25 જુલાઈ) સપા સાંસદ આઝમ ખાન કઈંક એવું બોલી ગયા કે ત્યારબાદ હોબાળો મચી ગયો. આજે પણ લોકસભામાં આઝમ ખાન દ્વારા અપાયેલા નિવેદન પર ખુબ હંગામો થયો. સદનની અધ્યક્ષતા કરી રહેલા ભાજપના સાંસદ રમા દેવી પર આપત્તિજનક ટિપ્પણી કરતા ભાજપના સાંસદોએ આઝમ ખાન પાસે માફીની માગણી કરી. ભાજપના સાંસદોએ કહ્યું કે જો તેઓ માફી ન માંગે તો તેમને સદનમાંથી બર્ખાસ્ત કરવા જોઈએ.
કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ગઈ કાલે સદનમાં મહિલાઓનું અપમાન થયું જેને આખા દેશે જોયું. તેમણે કહ્યું કે સપા સાંસદ આઝમ ખાને ભાજપના મહિલા સાંસદની માફી માગવી જોઈએ અને જો તેઓ એમ ન કરે તો તેમને સદનમાંથી બર્ખાસ્ત કરવા જોઈએ. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે કોઈ પણ સાંસદે જો આવી ટિપ્પણી સદનની બહાર કરી હોત તો પોલીસ અત્યાર સુધી કાર્યવાહી કરી ચૂકી હોત.
સ્મૃતિ ઈરાનીની સાથે સાથે રવિશંકર પ્રસાદ, પ્રહ્લાદ જોશી, અનુરાગ ઠાકુર, નિર્મલા સીતારમણ, કોંગ્રેસ નેતા અધીર રંજન, ટીએમસી સાંસદ નુસરત જહા વગેરે સાંસદોએ પણ આઝમ ખાનના નિવેદનની ટીકા કરી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આઝમ ખાન કાં તો સદનમાં માફી માંગે અથવા તો લોકસભા અધ્યક્ષ તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરે.
વાત જાણે એમ હતી કે લોકસભામાં ત્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના રામપુરથી સાંસદ આઝમ ખાનની એક ટિપ્પણી પર ગુરુવારે હોબાળો મચી ગયો. આઝમ ખાન સદનમાં બોલી રહ્યાં હતાં ત્યારે તેમણે એક શેર સંભળાવ્યો. તુ ઈધર ઉધર કી બાત ન કર, યે બતા કે કાફલા ક્યો લૂંટા? જેના પર સ્પીકરની ચેર પર બિરાજમાન રમા દેવીએ કહ્યું કે તમે પણ આમ જોઈને વાત કરો. જેના પર આઝમ ખાને કહ્યું કે "તમે મને એટલા સારા લાગો છો કે મારું મને કરે છે કે તમારી આંખોમાં આંખો પરોવીને જોતો રહું."
જુઓ LIVE TV