નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે સંકેત આપ્યો છે કે ભારતીય જવાનોએ પાકિસ્તાન તરફથી થઈ રહેલા હુમલા અને ઘૂસણખોરીનો જડબાતોડ જવાબ આપ્યો છે. સાંબા જિલ્લાની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર શહીદ નરેન્દ્રસિંહની હત્યા પર વાત કરતા રાજનાથ સિંહે કહ્યું કે કઈંક કાર્યવાહી કરાઈ છે, હું જણાવીશ નહીં. ઠીકઠાક થયું છે. વિશ્વાસ રાખો, બે ત્રણ દિવસ પહેલા બરાબર થયું છે. આગળ જુઓ શું થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રીએ કહ્યું કે મેં આપણી બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને કહ્યું હતું કે પાડોશી છે, પહેલા ગોળી ન ચલાવતા. પરંતુ એક ગોળી એ બાજુથી આવે તો પછી તમારી ગોળીઓની ગણતરી ન કરતા. અત્રે જણાવવાનું કે આ નિવેદન બાદ એવી અટકળો થઈ રહી છે કે જવાનોએ ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક જેવી જ કોઈ કાર્યવાહી કરી છે. 



બીજી બાજુ જમ્મુ અને કાશ્મીરમાં પંચાયત ચૂંટણીને  લઈને રાજનાથ સિંહે કહ્યું કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અનેક રીતે ઐતિહાસિક મહત્વ ધરાવશે અને જમીન સ્તર પર લોકતંત્રની ફરીથી સ્થાપના કરવામાં મદદરૂપ થશે. રાજ્યની બે પ્રમુખ પાર્ટીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગૃહમંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર પંચાયત અને શહેરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુચારુ રૂપથી પૂરી કરવા માટે કેન્દ્રીય દળો સહિત તમામ સંભવિત સહાયતા ઉપલબ્ધ કરાવશે. 


રાજનાથ સિંહે કહ્યું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું અનેક રીતે ઐતિહાસિક મહત્વ રહેશે. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં આગામી મહિને 4130 સરપંચો, 29719 પંચો, અને 1145 વોર્ડ આયુક્તો માટે ચૂંટણી થશે. નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પંચાયતોને વધુ મજબુત કરવા માટે લેખાકાર, ડેટા એન્ટ્રી ઓપરેટર, પ્રખંડ પંચાયત નીરિક્ષક તથા આ પ્રકારના વધારાના પદો માટે મંજૂરી આપવામાં આવી રહી છે.