Sonia Gandhi COVID-19: સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, કોરોનાને કારણે તબીયત બગડી
Sonia Gandhi: સોનિયા ગાંધી થોડા દિવસ પહેલાં કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમની તબીયત બગડી છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત અચાનક બગડી છે. જેના કારણે તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા તરફથી આ જાણકારી આપવામાં આવી છે. જાણવા મળ્યું છે કોરોના બાદ સોનિયા ગાંધી કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ માહિતી આપતા કહ્યુ કે સોનિયા ગાંધીની તબીયત સ્થિર છે, પરંતુ તેમને હોસ્પિટલમાં આબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમણે સોનિયા ગાંધીના બધા શુભચિંતકો અને પાર્ટી કાર્યકર્તાઓનો તેની પ્રાર્થના માટે આભાર માન્યો હતો. મહત્વનું છે કે લોકસભા સાંસદ સોનિયા ગાંધી થોડા દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના અન્ય નેતા પણ કોવિડની ઝપેટમાં આવ્યા હતા. કોરોનાથી સંક્રમિત થયા બાદ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ હોમ આઇસોલેશનમાં હતા.
આ પણ વાંચોઃ પીએમ 14 જૂને મહારાષ્ટ્રની મુલાકાત લેશે, પૂણેના દેહુમાં સંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કરશે
મહત્વનું છે કે ઈડીએ સોનિયા ગાંધીને એક નવી સમન્સ જારી કરી નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં 23 જૂને પૂછપરછ માટે હાજર થવાનું કહ્યું છે. સોનિયા ગાંધીને પહેલાં 8 જૂને રજૂ થવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ કોરોનાને કારણે તેમણે નવી તારીખ માંગી હતી. હવે 23 જૂને ઈડી સામે સોનિયા ગાંધી હાજર થશે કે નહીં તે જોવાનું રહેશે. ઈડીએ સોનિયા ગાંધી સિવાય રાહુલ ગાંધીને પણ સમન્સ પાઠવ્યું છે. હવે 13 જૂને રાહુલ ગાંધી ઈડી સામે પૂછપરછ માટે હાજર થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube