નવી દિલ્હી: સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)એ આગામી લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં ગઠબંધન માટે ફોર્મ્યુલા તૈયાર કરી લીધો છે. શનિવારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યાં છે. કહેવાય છે કે શનિવારે જ બંને તરફથી અધિકૃત રીતે ગઠબંધનની બેઠકોની જાહેરાત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું આ પહેલીવાર નથી બન્યું કે સપા અને બસપા ગઠબંધન કરીને ચૂંટણીના મેદાનાં ઉતરી પડ્યા હોય. 1993માં પણ સપા અને બસપાએ મોટા સ્તરે ભેગા થઈને ચૂંટણી લડી હતી. તે સમયે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી હતી. જેમાં બંને પક્ષોએ સાથે મળીને પહેલીવાર મોટા પાયે ભાજપને કાંટાની ટક્કર આપી હતી. 


ગઠબંધને જીતી હતી 176 બેઠકો
1993માં ઉત્તર પ્રદેશની 422 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી થઈ હતી. જેમાં બસપા અને સપાએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. બંનેએ સયુંક્ત રીતે 420 બેઠકો પર પોત પોતાના ઉમેદવારો ઉતાર્યા હતાં. બંને પક્ષોના સયુંક્ત રીતે આ ચૂંટણીમાં 176  ઉમેદવારોએ જીત મેળવી હતી. જેમાં બસપાએ 164 ઉમેદવારો ઉતાર્યા હતાં અને 67 જીત્યા હતાં. જ્યારે સપાએ આ ચૂંટણીમાં 256 ઉમેદવારો ઉતાર્યા હતાં અને 109 જીત્યા હતાં. 


ભાજપે જીતી હતી 177 બેઠકો
આ ચૂંટણીમાં ભલે સપા અને  બસપાનું ગઠબંધન થયું હતું પરંતુ તેમાં ભાજપને સૌથી વધુ 177  બેઠકો મળી હતી. પરંતુ તે સમયે સપા અને બસપાએ ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બનતી રોકવા માટે અન્ય પક્ષો સાથે હાથ મિલાવ્યો અને સપાના પૂર્વ અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યા હતાં. 4 ડિસેમ્બર 1993ના રોજ મુલાયમ સિંહના નેતૃત્વમાં સપા અને બસપાની સરકાર બની હતી. 


સપા બસપાનો 37-37 નો ફોર્મ્યુલા
જો કે 1993માં ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીનો મામલો હતો. આ વખતે લોકસભા ચૂંટણી છે. આ બાજુ સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સપા અને બસપા વચ્ચે પ્રદેશમાં 37-37 લોકસભા ચૂંટણી પર ચૂંટણી લડવાની સહમતી બની છે. જ્યારે અમેઠી અને રાયબરેલી બેઠકો કોંગ્રેસ માટે છોડી દેવાઈ છે. આ સાથે જ અન્ય બેઠકોમાં આરએલડીને 2 સીટો આપવા પર સહમતી બની છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બે બેઠકોને રિઝર્વ રાખવાનો નિર્ણય લેવાયો છે.