98% ગરીબ સવર્ણોને માત્ર 10% અનામ, 2% શ્રીમંત સવર્ણોને 40% અનામતઃ સપા
રામગોપાલ યાદવે જણાવ્યું કે, હવે લોકસભા ચૂંટણી નજીકમાં જ છે ત્યારે સરકાર આ બિલ લાવી છે
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે રાજ્યસભામાં આર્થિક અનામત બિલને સમર્થન આપવા સાથે જણાવ્યું કે, સરકાર આ બિલને પહેલા પણ લાવી શકે એમ હતી. હવે લોકસભા ચૂંટણી નજીકમાં જ આવી છે ત્યારે સરકાર આ બિલ લાવી છે. તેમણે એ પણ જણાવ્યું કે, 98% ગરીબ સવર્ણોને માત્ર 10% અનામ, 2% શ્રીમંત સવર્ણોને 40% અનામત આપવામાં આવી રહી છે.
આ સાથે જ રામગોપાલ યાદવે જણાવ્યું કે, માનસિક લાગણી વગર પરિણામ આવશે નહીં. આ અંગે તેમણે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, એક વખત તેમના જતા રહ્યા બાદ ખુરશીને ધોવામાં આવી હતી.
આ અગાઉ આર્થિક અનામત બિલ રાજ્યસભામાં રજૂ થયા બાદ બપોરે 2.00 કલાકથી તેના પર ચર્ચા ચાલી રહી છે. ચર્ચાની શરૂઆત કરતા ભાજપના સાંસદ પ્રભાત ઝાએ જણાવ્યું કે, લાંબા સમયથી આર્થિક આધારે અનામતના બિલની રાહ જોવાઈ રહી હતી. પીએમ મોદીએ સવર્ણ સમાજની ચિંતા હતી. મોદી સરકાર તમામ ગરીબોના હિતમાં કામ કરી રહી છે.
સવર્ણ અનામત : આ તો SC,ST, OBCના અધિકાર પર પડેલી ધાડ છે... જાણો કોણે શું કહ્યું?
તેમણે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા જણાવ્યું કે, રાહુલ ગાંધી આર્થિક અનામતના મુદ્દે બોલવાની હિંમત દેખાડે. તેનો જવાબ આપતા કોંગ્રેસના નેતા આનંદ શર્માએ વાંધો ઉઠાવતા કહ્યું કે, કોઈ પણ સભ્યએ એવા અન્ય સભ્ય પર ટિપ્પણી ન કરવી જોઈએ, જે આ ગૃહના સભ્ય ન હોય. રાહુલ ગાંધી લોકસભાના સાંસદ છે. આનંદ શર્માએ જણાવ્યું કે, લોકોને ભ્રમિત કરવાનું નામ ન કરવામાં આવે.
આ અગાઉ આ બિલ પર ચર્ચા કરવા માટે ત્રણ કલાકનો સમય નક્કી કરાયો હતો, પરંતુ ત્યાર બાદ તેને વધારીને 8 કલાકનો કરવામાં આવ્યો હતો. સવારે રાજ્યસભા શરૂ થતાં વિરોધ પક્ષે નાગરિક્તા બાબતે ઉત્તર પૂર્વમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અંગે સરકાર પાસે જવાબ માગ્યો હતો.