ઈન્દોર: સામાન્ય રીતે ચૂંટણીમાં પાર્ટીઓ ટિકિટ આપતી વખતે જાતિગત સમીકરણોનો ખ્યાલ રાખે છે. પરંતુ હાલમાં મધ્ય પ્રદેશમાં એસસી/એસટી એક્ટ મુદ્દે ઉઠેલા રાજકીય વંટોળીયાના કારણે પાર્ટીઓ માટે આ વખતે ટિકિટોનું વિતરણ એટલું સરળ નથી રહ્યું. આવું એટલા માટે કારણ કે એસસી/એસટી એક્ટ મુદ્દે પક્ષ-પ્રતિપક્ષમાં સૌથી વધુ ઘમસાણ મધ્ય પ્રદેશમાં જ જોવા મળ્યું છે. કારણ કે આ મુદ્દાના કારણે બે નવા સંગઠનો રાજ્યમાં ઉભરી આવ્યાં છે અને 28 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસની વોટબેંકને પ્રભાવિત કરવાની ક્ષમતા તેઓ ધરાવે છે. બિન અનામત સમુદાય અને આદિવાસી વર્ગના આ બે નવા સંગઠનો મેદાનમાં ઉતરવાના કારણે જાતિગત મતોનું વિભાજનો ચૂંટણી જંગ વધુ ભીષણ થતો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપાક્સ
સામાન્ય, પછાત વર્ગ અને અલ્પસંખ્યક કલ્યાણ સમાજ સંસ્થા (સપાક્સ)એ પ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. જનરલ કેટેગરીની રજુઆત કરનારા આ સંગઠનના પ્રમુખ હીરાલાલ ત્રિવેદીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એસસી/એસટી એક્ટ)માં સંશોધનને તરત પાછું ખેંચવામાં આવે. આ સાથે જ સમાજના તમામ તબક્કાઓના લોકોને શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં આર્થિક આધાર પર અનામત આપવામાં આવે. સેવાનિવૃત આઈએએસ અધિકારીએ કહ્યું કે સપાક્સની માગણી છે કે દેશભરમાં સરકારની કોઈ પણ યોજનાના લાભાર્થીઓની પસંદગી જાતિના આધારે ન થાય પરંતુ તમામ વર્ગના લોકોના વંચિત લોકોને શાસકીય કાર્યક્રમોનો સમાન લાભ આપવામાં આવે. 


જય આદિવાસી યુવા શક્તિ (જયસ)
આ બાજુ રાજ્યમાં જનજાતીય સમુદાયના દબદબાવાળી 80 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા સંગઠન જય આદિવાસી યુવા શક્તિ (જયસ)ના સંરક્ષક હીરાલાલ અલાવાએ કહ્યું કે હાલની અનામત પદ્ધતિ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ સહન કરવામાં આવશે નહીં. હીરાલાલ અલાવા નવી દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એમ્સ)માં સહાયક પ્રોફેસની નોકરી છોડીને રાજકીય અખાડામાં ઉતર્યા છે. તેમણે કહ્યું કે દેશમાં હાલ મોટા પાયે સામાજિક અને આર્થિક અસમાનતાઓ છે. આંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ પ્રાથમિક જરૂરિયાતો માટે તરસી રહ્યાં છે. આવામાં અનામત પદ્ધતિ મામલે યથાસ્થિતિ જાળવી રાખવાની જરૂર છે.


મુકર જાતિગત ગોલબંધીના સૂર
વરિષ્ઠ રાજકીય વિશેષજ્ઞ ગિરિજાશંકરનું કહેવું છે કે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમમાં સંશોધનો બાદ ઉભરી આવેલા હાલાત પ્રદેશના ચૂંટણી ઈતિહાસને ધ્યાનમાં લેતા 'અસામાન્ય' છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ચૂંટણી દરમિયાન જાતિગત સમીકરણો તો પહેલા પણ રહ્યાં હતાં. પરંતુ આ પ્રકારની સ્થિતિ પહેલીવાર જોવા મળી છે. આ સ્થિતિએ તમામ રાજકીય પક્ષોને સ્તબ્ધ કર્યા છે. રાજકીય પાર્ટીઓ સંબદ્ધ કાયદાકીય સંશોધનોના મુદ્દે તેઓ અનામત કે બિન અનામત વર્ગમાંથી કયા વર્ગ સાથે છે તે વલણ સ્પષ્ટ કરવામાં સ્વાભાવિક કારણોથી ડરી રહી છે. 


સોશિયલ એન્જિનિયરિંગનો સહારો
રાજકીય વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમમાં સંશોધનો બાદ મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીના સમીકરણો બદલાઈ ગયા છે. આ મુદ્દે અનામત વર્ગનું તબક્કાવાર વિરોધ પ્રદર્શન ચાલુ છે.  જાણકારોનું માનવું છે કે રાજકીય પક્ષોએ અલગ અલગ સમુદાયોને સાધવા માટે ચૂંટણી ટિકિટ વિતરણથી માડીને  પ્રચાર અભિયાન સુધીમાં 'સોશિયલ એન્જિનિયરિંગ'નો સહારો લેવો પડી શકે છે. 


જાણકારોના જણાવ્યાં મુજબ ગ્વાલિયર-ચંબલ વિસ્તાર, વિંધ્ય વિસ્તાર, અને માલવા-નિમાડ અંચલમાં જાતીય સમીકરણ ચૂંટણી પરિણામોને ખાસ્સા પ્રભાવિત કરી શકે છે. સંબદ્ધ કાયદાકીય ફેરફારો વિરુદ્ધ છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. 


પ્રદેશમાં જે સ્થિતિ ઊભી થઈ છે તેના ચૂંટણી ખતરાનો સત્તારૂઢ ભાજપને પણ ખુબ અહેસાસ છે જે પ્રદેશમાં સતત ચોથીવાર વિધાનસભા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપના ચૂંટણી રણનીતિકારોમાં સામેલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝાએ કહ્યું કે "સબકા સાથ સબકા વિકાસના નારા મુજબ સામાજિક સમરસતા માટે અમે પહેલેથી કામ કરી રહ્યાં છીએ, અને તમામ તબક્કાઓનું હિત ઈચ્છીએ છીએ."


અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમમાં સંશોધનોને લઈને બિન અનામત સમુદાયના આક્રોશ અંગે પૂછવા પર ઝાએ સંતુલિત ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી બધાને છે. પ્રદેશની કુલ 230 વિધાનસભા બેઠકોમાંથી 47 બેઠકો અનુસૂચિત જનજાતિ (એસટી) સમુદાય માટે અનામત છે. જ્યારે 35 બેઠકો પર અનુસૂચિત જાતિ (એસસી) વર્ગને અનામત મળેલ છે. એટલે કે સામાન્ય સીટોની સંખ્યા 148 છે. 


(ઈનપુટ-ભાષામાંથી પણ)