સ્પીકર સુમિત્રા મહાજને AIADMKના 26 સાંસદોને 5 લોકસભા બેઠક માટે સસ્પેન્ડ કર્યા
આ સભ્યો કર્ણાટકમાં પ્રસ્તાવિત મેકેડાટુ ડેમનો વિરોધ કરતા હતા
નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને બુધવારે ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ના 26 સાંસદોને ગૃહની વેલમાં વારંવાર ઘુસી આવવા અને ગૃહની કાર્યવાહીમાં વિઘ્ન ઊભું કરવા બદલ લોકસભાની પાંચ બેઠક માટે સસ્પેન્ડ કર્યા છે.
AIADMKના સાંસદો ગૃહની વેલમાં ધસી આવ્યા હતા અને ન્યાય માટે સૂત્રોચ્ચાર કરતા હતા. તમિલનાડુના આ સાંસદો કર્ણાટકમાં કાવેરી નદી પર પ્રસ્તાવિત મેકેડાટુ ડેમનો વિરોધ કરતા હતા. તેમનો એવો દાવો હતો કે તેના કારણે તેમના રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે તકલીફ પડશે.
રાફેલ મુદ્દે અરુણ જેટલીના લોકસભામાં કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસને ચારેતરફથી ઘેરી
આ અંગે AIADMKના નેતા એમ. થામબીદુરાઈએ જણાવ્યું કે, "હવે ચૂંટણી આવી રહી છે. ભાજપ રાજ્યમાં કેટલીક બેઠકો કબ્જે કરવા માગે છે. તેના કારણે તેણે કર્ણાટકના મેકેડાટુ ડેમના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. વિરોધ કરવો અમારો લોકશાહીનો અધિકાર છે."
રાજ્યસભાની કાર્યવાહીમાં પણ તમિલનાડુના સાંસદો દ્વારા આ મુદ્દે વારંવાર વિધ્ન નાખવામાં આવ્યો હતો. આ કારણે લોકસભાના સ્પીકર વેંકૈયા નાયડુએ AIADMK અને DMKના કેટલાક સાંસદોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં ડીએમકેના કનિમોઝી અને તિરુચી સિવા, AIADMKના એ. નવનિથક્રિશ્નન, વિચિલા સથ્યનાથ અને કે. સેલવરાજનો સમાવેશ થાય છે.