Raksha Bandhan 2024: લગભગ બે દાયકા કરતા વધુ સમય પુરાની આ કહાની છે...આ કહાની છે રાજસ્થાનના સીકર જિલ્લાની...આ કહાની છે સીકર જિલ્લામાં આવેલાં શ્રીમાધોપુરના થોઈ વિસ્તારની...આ કહાની છે મુઘલોના અત્યાચાર સામે સાધુ-સંતોના પ્રતિકારની...આ કહાની છે રક્ષાબંધન પર ખેલાયેલાં રણસંગ્રામની...જેમાં સામાન્ય લોકોની રક્ષા માટે ભગવાધારી સાધુ-સંતો એક મોટી સેના સામે બાથ ભિડાવી હતી. આ યુદ્ધમાં સાધુ-સંતોએ મુગલોને ઉભી પૂછડીએ ભગાડ્યા હતા. કહેવાય છે યુદ્ધમાં હનુમાનજી પણ ત્યારે સાક્ષાત હાજર થયા હતા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરની બહેનોએ ભાઈના હાથમાં રાખડી બાંધી રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરી, આ દિવસ સુરક્ષાનું પ્રતિક છે. પણ આ જ દિવસે રાજસ્થાનના સીકર જિલ્લામાં રક્ષા સાથે જોડાયેલો એક મોટો રણસંગ્રામ ખેલાયો હતો. લગભગ 243થી વધુ વર્ષ પહેલા સાધુ-સંતોએ શ્રાવણ પૂર્ણિમાના દિવસે 52 હજાર મુગલ સૈનિકોને ભગાડ્યા હતા. આ યુદ્ધ ખેતરોમાં લડાયું હતું જેના કારણે આજે પણ ખેતર યુદ્ધના નામથી પ્રસિદ્ધ છે. હાલ આ સ્થળે એક નવું ગામનું નિર્માણ થયું છે.


243 વર્ષ પહેલા મુગલોએ કરી હતી ચડાઈ-
ઈતિહાસકાર મહાવીર પુરોહિતના પુસ્તક હિસ્ટ્રી ઓફ સીકર મુજબ, આ યુદ્ધ સંવત 1836 એટલે કે 1779માં ખેલાયું હતું. જેમાં દિલ્હીની મુગલ સલ્તનતના સિપહસાલાર મુર્તઝા ભડેંચ અલીનું વિશાળ લશ્કર રાજસ્થાનના સીકર જિલ્લાના શ્રીમાધોપુરના થોઈ શહેરને લૂંટીને આગળ વધી રહ્યું હતું. મુગલોના આ લશ્કરમાં ગોળીબાર કરતી આર્ટિલરી, હજારો ઘોડેસવાર અને ઊંટ સવાર સૈનિકો ગામોના ગામો તબાહ કરી રહ્યાં હતાં.  આ લશ્કર ખાટુ પાસે ભડેચ પહોંચ્યું ત્યારે દાદુપંથી મંગળદાસ મહારાજ અહીં ચાતુર્માસ કરી રહ્યા હતા. જેમની મુર્તઝા ખાન સાથે ટક્કર થઈ. જેમનો સાથ આપવા માટે શેખાવતીના ઋષિઓ, સીકરના રાજા દેવી સિંહ, દાંતા, બાઈ, દીવાસ, શ્યામગઢ અને ઝુનઝુનુવાટીના સરદારો, ડુંગરીના ચુંદાવતસિંહ નાથાવત તથા ખુડના બખ્તાવર સિંહે પણ આ યુદ્ધમાં ભાગ લીધો હતો. જેમાં મુઘલ સેનાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 


મુગલોની સેના અજમેર તરફ ભાગી હતી-
મહાવીર પુરોહિતના પુસ્તક પ્રમાણે બે દિવસ સુધી ચાલેલા ભીષણ યુદ્ધમાં સાધુ-સંતોની સેનાએ મુઘલ સેનાને ચાર માઈલ પાછળ ધકેલી દીધી હતી. જેના કારણે મુગલોની સેના અજમેર તરફ ઉભી પૂછડીએ ભાગી હતી. યુદ્ધમાં બંને બાજુના હજારો સૈનિકો માર્યા ગયા. જેમાં સાધુ સંતોની સેનાના નાયક દેવી સિંહ, અર્જુન ભીમ કાયસ્થ સહિત અનેક શૂરવીર વીરગતિને પામ્યા હતા.


બે પથ્થર લઈને પહોંચ્યા મહંત, હનુમાનજી થયા પ્રગટ!
આ યુદ્ધને લઈને ગામમાં એક એવી દંતકથા છે કે મુઘલોની સેનામાં 52 હજાર સૈનિકો હતા. જેમની સામે મંગળદાસ મહારાજ બે પથ્થર લઈને પહોંચ્યા હતા. આ પથ્થરની પૂજા કરવાથી દક્ષિણ મુખી હનુમાનજી અને મા દુર્ગા સ્વયં પ્રગટ થયા હતા. જેના બળ પર જ આ યુદ્ધ જીતી શકાયું હતું. આજે પણ ખેતરમાં દક્ષિણમુખી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.