નવી દિલ્હી:  જ્ઞાનયોગાશ્રમ વિજયપુર(કર્ણાટક)ના સંત સિદ્ધેશ્વર સ્વામીએ કેન્દ્ર સરકાર તરફથી અપાતા પદ્મ પુરસ્કારને લેવાની ના પાડી દીધી છે. ભારત સરકારે સંત સિદ્ધેશ્વરને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. સ્વામી સિદ્ધેશ્વરે પીએમ મોદીને એક પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ સન્યાસી અને આધ્યાત્મિક વ્યક્તિ છે અને તેમને કોઈ પણ પ્રકારના પુરસ્કારની ઈચ્છા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું કે 'ભારત સરકાર દ્વાર મને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત બદલ હું ખુબ આભારી છું, પરંતુ હું પૂરેપૂરા સન્માન સાથે તમને અને સરકારને કહેવા માંગુ છું કે આ એવોર્ડ લેવા માટે હું ઈચ્છુક નથી. હું એક સન્યાસી છું, મને પુરસ્કારોમાં કોઈ રૂચિ નથી. હું આશા કરું છું કે તમે મારા આ નિર્ણયનો સહર્ષ સ્વીકાર કરશો.'


આ અગાઉ સ્વામી સિદ્ધેશ્વરે રાજ્યસભાના સભ્ય બાસવરાજ પાટિલ સેદામને શુક્રવારે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આધ્યાત્મિક વ્યક્તિ હોવાના કારણે મને સન્માન કે પુરસ્કારમાં કોઈ રૂચિ નથી. મેં ભૂતકાળમાં પણ કોઈ પુરસ્કાર સ્વીકાર્યો નથી. કર્ણાટક વિશ્વવિદ્યાલયે કેટલાક વર્ષો પહેલા મને માનદ ઉપાધિ પ્રદાન કરીહતી. જેને મેં સન્માન સાથે પરત કરી હતી. 



અત્રે જણાવવાનું કે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર ભારત સરકારે દેશના પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. જેમાં કળા, સંસ્કૃતિ, ખેલની સાથે સાથે માનવ સેવાઓના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનારાઓને પણ જગ્યા આપવામાં આવી છે. આ વખતે 85 લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યાં. જેમાંથી 3 લોકોને પદ્મ વિભૂષણ, 9 લોકોને પદ્મ ભૂષણ અને 73 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે સરકારને પદ્મ પુરસ્કારો માટે 15700થી વધુ અરજીઓ મળી હતી.