નવી દિલ્હી: ભારતના દક્ષિણી રાજ્ય કર્ણાટકની આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્ય પાર્ટીઓમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ઘમાસાણ ચાલુ છે. બંને પાર્ટીઓ પૂરેપૂરી તાકાતથી ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યાં છે. કર્ણાટકમાં વર્તમાન મુખ્યમંત્રી તથા કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સિદ્ધારમૈયા પોતાની જૂની સીટ છોડીને બે અન્ય વિધાનસભા સીટો પરથી ચૂંટણી લડી રહ્યાં છે. સિદ્ધારમૈયાએ ચામુંડેશ્વરી અને બાદામી વિધાનસભા સીટ માટે ઉમેદવારી નોંધાવી છે. બાદામી સીટથી માટે તેમનો સામનો ભાજપના શ્રીરામુલુ સામે છે. શ્રીરામુલુને કર્ણાટકમાં સૌથી અમીર રાજનેતાઓના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે અને તે ખનન કારોબારી જનાર્દન રેડ્ડીના નજીકના છે. ચર્ચા તો એ પણ છે કે જો ભાજપ સત્તામાં આવ્યો તો તેને ડેપ્યુટી સીએમની ખુરશી મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દલિતોના સૌથી મોટા નેતા છે શ્રીરામુલુ
શ્રીરામુલુ દલિતો અને આદિવાસીઓના સૌથી મોટા નેતા તરીકે ઓળખાય છે. ભાજપને તેમના તરફથી ખુબ આશાઓ છે. યેદિયુરપ્પા બાદ પાર્ટીના સૌથી મોટા ચહેરાઓમાં સામેલ છે. સિદ્ધારમૈયાની જેમ શ્રીરામુલુ પણ બે સીટથી ચૂંટણી લડી રહ્યાં છે. બાદામી ઉપરાંત મોલકામરુ સીટ પરથી પણ ભાગ્ય અજમાવી રહ્યાં છે.


રસપ્રદ રીતે રાજકારણમાં થઈ એન્ટ્રી
1999માં લોકસભાની ચૂંટણી દરમિયાન જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ બેલ્લારીથી ચૂંટણી લડી રહ્યાં હતાં ત્યારે શ્રીરામુલુને અનેકવાર તેમની કાર ચલાવતા જોવામાં આવ્યાં હતાં. ધીરે ધીરે તેમણે પાર્ટીનો વિશ્વાસ હાંસલ કર્યો અને પાર્ટીમાં એન્ટ્રી કરી. 1999માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમને બેલ્લારીથી વિધાનસભાની ટિકિટ મળી અને તેમણે જીત પણ મેળવી.


2011માં ભાજપ સાથે છેડો ફાડ્યો હતો
1999માં ભાજપમાંથી ધારાસભ્ય બન્યા બાદ શ્રીરામુલુએ પાછળ વળીને જોયુ નથી. 2008માં તેમને સરકારમાં સામેલ કરવામાં આવ્યાં હતાં અને ઉર્જા મંત્રી બનાવાયા હતાં. જો કે 2011માં તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો. પરંતુ 2013માં બેલ્લારીથી અપક્ષ ચૂંટણી જીતીને નવી પાર્ટી બીએસઆર  કોંગ્રેસ બનાવી. 2014માં લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં વાપસી થઈ. ભાજપે તેમને બેલ્લારીથી સાંસદની ટિકિટ આપી.


કર્ણાટક વિધાનસભા સીટ સંખ્યા 23 બાદામી વિધાનસભા વિસ્તાર બાગલકોટ લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે. બાદામીને પહેલા વતાપી નામથી ઓળખવામાં આવતું હતું. અહીં હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા કિમ્માનકટ્ટી બલપ્પા ભીમપ્પા બીરાજમાન છે. 2013 કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભીમપ્પાએ જનતા દળ (સેક્યુલર)ના ઉમેદવાર મહાંતેશ ગુરુપડપ્પા મમદપુરને 15113 મતોથી હરાવીને આ સીટ પર કબ્જો જમાવ્યો હતો. આ અગાઉ તેમણે 1994 અને 1999 વિધાનસભા ચૂંટણીઓમાં પણ આ જ બેઠક પરથી જીત મેળવી હતી. પરંતુ 2004 અને 2008માં તેમણે ભાજપના મહાગુંડપ્પા કાલપ્પાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.