પેટ્રોલ અને ડીઝલની જેમ જ રોજ નક્કી થશે ખાંડની કિંમત!
આ મામલે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
નવી દિલ્હી/દેહરાદુન : ઉત્તરાખંડમાં પેટ્રોલ અને ડીઝલની જેમ હવે ખાંડની કિંમત પણ રોજેરોજ નક્કી થશે. આ સાથે જ ખાંડ મિલ રિટેલમાં પણ ખાંડનું વેચાણ કરી શકશે. જો વપરાશકારને મોટા પ્રમાણમાં ખાંડની જરૂર હશે તો એ સીધી મિલમાંથી ખરીદી શકશે. આ મિલ પાસેથી ખાંડ ક્વિન્ટલના હિસાબે ખરીદી શકાશે. આ મામલાના પ્રધાન પ્રકાશ પંતે સમીક્ષા બેઠકમાં આ વાતનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ માહિતી આપી છે કે ખાંડની વેચાણ કિંમત ખાંડ મિલ ફેડરેશન જ નક્કી કરશે.
પ્રકાશ પંતે માહિતી આપી છે કે વેપારીઓને કુલ પાંચ દિવસનો સમય આપવામાં આવશે જેમાં ત્રણ દિવસ નિર્ધારીત રકમ જમા કરાવવા માટે અને બે દિવસ ડિલીવરી માટે હશે. ફેડરેશન રોજેરોજ ખાંડની કિંમત નક્કી કરીને એડવાઇસરી ખાંડની મિલોને મોકલશે. આ સિવાય તેમણે સૌથી પહેલાં ખાંડની મિલોનું સ્પેશિયલ ઓડિટ કરવામાં પણ કહ્યું છે જેથી મિલોની સાચી નાણાંકીય સ્થિતિની ચોક્કસ માહિતી મળી શકે.
ઉત્તરાખંડની ખાંડની મિલોના કર્મચારીઓના બાકી રહેલો પગાર મળી શકે એ માટે જવાબદાર વિભાગે 20 કરોડ રૂ.ના ફંડની પણ ફાળવણી કરી છે. આ રકમથી મૂળ પગારની રકમ ચૂકવવામાં આવશે. આ સિવાય વેજ બોર્ડની ભલામણ પછી વધેલી રકમની ચૂકવણી ખાંડની મિલો જ કરશે. નોંધનીય છે કે ખાંડની મિલોના કર્મચારીઓના 2થી 4 મહિનાઓના પગારની ચૂકવણી નહોતી થઈ જેના કારણે આ પગલું લેવામાં આ્વ્યું છે.