નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ન્યાયાધીશ જસ્ટિસ કેએમ જોસેફના નામ પર ફરીથી વિચાર કરવા માટે બોલાવાયેલી સુપ્રીમ કોર્ટની કોલેજિયમની બેઠકમાં કોઈ નિર્ણય ન થયો. બુધવારે સાંજે મળેલી કોલેજિયમની બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિ જે. ચેલામેશ્વર, ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ મદન બી લોકૂર, ન્યાયમૂર્તિ કુરિયન જોસેફ કોલેજિયમની બેઠકમાં સામેલ થયા. આ બેઠક આશરે 30 મિનિટ ચાલી, પરંતુ આ બેઠકમાં જસ્ટિસ જોસેફના નામ પર કોઈ નિર્ણય ન આવ્યો. 


મહત્વનું છે કે કોલેજિયમે 10 જાન્યુઆરીએ ન્યાયમૂર્તિ જોસેફને પ્રમોશન આપીને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બનાવવા અને વરિષ્ઠ વકીલ ઇન્દુ  મલ્હોત્રાને સીધા સુપ્રીમમાં ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરી હતી. પરંતુ સરકારે ઈન્દુ મલ્હોત્રાના નામને મંજૂરી આપી અને ન્યાયમૂર્તિ જોસેફના નામ પર ફરી વિચાર કરવા માટે તેમની ફાઇલ પરત મોકલી હતી. 


ફાઇલ પરત કરવા સમયે સરકારે આપ્યો આ તર્ક
જસ્ટિસ જોસેફના નામની ફાઇલ પરત કરવા સમયે સીજેઆઈ દીપક મિશ્રાને લખેલા પત્રમાં કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, જસ્ટિસ જોસેફનું નામ પુનઃવિચાર માટે મોકલવા માટે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની મંજૂરી મળેલી છે. તેમણે લખ્યું કે, સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રતિનિધિત્વ નથી. આ અવસરે જોસેફનો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિનો પ્રસ્તાવ યોગ્ય લાગતો નથી. સરકારે કહ્યું કે આ પ્રસ્તાવ સુપ્રીમના માપદંડને અનુરૂપ નથી અને સુપ્રીમ કોર્ટમાં કેરલનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ છે, ન્યાયમૂર્તિ જોસેફ કેરલથી આવે છે.