પ્રોપર્ટીના ટાઈટલ ટ્રાન્સફર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, ખાસ જાણો નહીં તો પસ્તાશો
પ્રોપર્ટીના ટાઈટલ ટ્રાન્સફર અંગે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. એક કેસની સુનાવણી કરતા કહ્યું કે કોઈ પ્રોપર્ટીના ટાઈટલ ટ્રાન્સફર માટે રજિસ્ટર્ડ દસ્તાવેજ હોવો જરૂરી છે.
પ્રોપર્ટીના ટાઈટલ ટ્રાન્સફર અંગે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. એક કેસની સુનાવણી કરતા કહ્યું કે કોઈ પ્રોપર્ટીના ટાઈટલ ટ્રાન્સફર માટે રજિસ્ટર્ડ દસ્તાવેજ હોવો જરૂરી છે. કોર્ટના જણાવ્યાં મુજબ ફક્ત સેલ એગ્રીમેન્ટ કે પાવર ઓફ એટોર્નીને ટાઈટલ ટ્રાન્સફર માટે પૂરતા ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રજિસ્ટ્રેશન એક્ટ 1908 હેઠળ સંપત્તિનો માલિકી હક ત્યારે જ થઈ શકે જ્યારે રજિસ્ટર્ડ દસ્તાવેજ હોય.
કોર્ટે જે મામલે ચુકાદો આપ્યો છે તેમાં અરજીકર્તાનું કહેવું છે કે તે સંપત્તિનો માલિક છે અને સંપત્તિ તેના ભાઈ દ્વારા તેને ગિફ્ટ ડીડ તરીકે આપવામાં આવી હતી. તેનું કહેવું હતું કે આ સંપત્તિ તેની છે અને કબજો પણ તેનો છે. જ્યારે બીજા પક્ષે સંપત્તિ પર દાવો કરતા કહ્યું કે તેના પક્ષમાં પાવર ઓફ એટોર્ની, સોગંદનામું અને એગ્રીમેન્ટ ટુ સેલ છે.
અરજીકર્તાનો જવાબ
બીજા પક્ષના જવાબમાં અરજીકર્તાનું કહેવું હતું કે જે દસ્તાવેજોા આધારે પ્રતિવાદીએ દાવો કર્યો તે માન્ય નથી. તેમણે કહ્યું કે અચલ સંપત્તિનો માલિકી હક રજિસ્ટર્ડ દસ્તાવેજ વગર હોઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે પણ આ વાત સાથે સહમતિ જતાવતા કહ્યું કે રજિસ્ટર્ડ દસ્તાવેજ વગર અચલ સંપત્તિનો માલિકી હક ટ્રાન્સફર થઈ શકે નહીં આથી પ્રતિવાદીના દાવાને ફગાવવામાં આવે છે. આ સાથે જ કોર્ટે અરજીકર્તાની અપીલ પણ સ્વીકારી લીધી.
શું હોય છે પાવર ઓફ એટોર્ની અને એગ્રીમેન્ટ ટુ સેલ
પાવર ઓફ એટોર્ની એક રીતે કાનૂની અધિકાર હોય છે. જે કોઈ પ્રોપર્ટીના માલિક દ્વારા કોઈ અન્ય વ્યક્તિને આપવામાં આવે છે. પાવર ઓફ એટોર્ની મળવાથી તે વ્યક્તિ તે પ્રોપર્ટીની ખરીદી કે વેચાણ સંબંધિત નિર્ણય લઈ શકે છે. પરંતુ આ પ્રોપર્ટીનો માલિકી હક બિલકુલ કહી શકાય નહીં. એગ્રીમેન્ટ ટુ સેલ એ દસ્તાવેજ છે જેમાં ખરીદદાર અને વેચાણ કરનાર વચ્ચે પ્રોપર્ટી સંલગ્ન તમામ માહિતી હોય છે. તેમાં પ્રોપર્ટીની કિંમત અને ફૂલ પેમેન્ટ વિશે તમામ જાણકારી નોંધાયેલી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube