બેવડી નાગરિક્તા મુદ્દે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ક્લીન ચીટ, અરજી ફગાવી
મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ અરજી ફગાવી દેતા જણાવ્યું કે, `જો કોઈ ફોર્મમાં ભરી દેવામાં આવે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે તો શું તેઓ ખરેખર નાગિરક બની જાય છે`
નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને બેવડી નાગરિક્તાના આરોપ કેસમાં ગુરૂવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. એક અરજીમાં માગ કરાઈ હતી કે, સુપ્રીમ કોર્ટ ગૃહ મંત્રાલયને આદેશ આપે કે તેઓ રાહુલની નાગરિક્તા અંગે મળેલી ફરિયાદ પર ઝડપથી નિર્ણય લે. આ અરજીમાં રાહુલ ગાંધીની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની પણ માગ કરાઈ હતી.
કેસની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ અરજી ફગાવી દેતા જણાવ્યું કે, 'જો કોઈ ફોર્મમાં ભરી દેવામાં આવે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે તો શું તેઓ ખરેખર નાગિરક બની જાય છે'. મુખ્ય ન્યાયાધિશ રંજનગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટ અને હિન્દુ મહાસભા તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પણ સુનાવણી કરી હતી.
યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટના જયભગવાન ગોયલ અને હિન્દુ મહાસભાના ચંદ્રપ્રકાશ કૌશિકે સુપ્રીમમાં અરજી કરી હતી કે, ગૃહ મંત્રાલય રાહુલ ગાંધીની બેવડી નાગરિક્તા અંગે મળેલી ફરિયાદ પર ઝડપથી કાર્યવાહી કરે. અરજીમાં રાહુલ ગાંધીને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની પણ માગ કરાઈ હતી.
જાણો ભારત-પાક.માં ચર્ચાનો વિષય બનેલા 'રૂહ અફ્ઝા'ની શરૂઆત કેવી રીતે થઈ હતી...
આ સાથે જ અરજીકર્તાએ રાહુલ ગાંધીનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાની પણ અપીલ કરી હતી.તમને જણાવી દઈએ કે ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને 15 દિવસમાં જવાબ માગ્યો હતો. ડો. સ્વામીએ ફરિયાદના પત્રમાં આરોપ લગાવીને કહ્યું છે કે, બ્રિટિશ નાગરિક હોવાને કારણે રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવી જોઈએ.