હવે તાજમહેલમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી રોકાશો તો ચૂકવવી પડશે વધુ રકમ
તાજમહેલ નિહાળવા માટેની હવે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, સાથે જ તાજમહેલમાં ટૂંક સમયમાં નવી કોઈન સિસ્ટમ પણ લાગુ કરાશે અને નવી વ્યવસ્થા અનુસાર તાજમહેલમાં ટિકિટ સ્કેન કર્યા પછી જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે
નવી દિલ્હી/ આગરાઃ પ્રેમનું પ્રતીક ગણાતા તાજમહેલને જોવા જવાનું હવે વધુ મોંઘું થઈ ગયું છે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા તાજમહેલ નિહાળવા માટેની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં પ્રવેશ માટેની પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ અગાઉ ડિસેમ્બર-2018માં મુખ્ય કબર જોવા માટે વધારાના રૂ.200ની ટિકિટ ખરીદવાનો દર પણ લાગુ કરાયો હતો.
ટિકિટ સ્કેન કર્યા પછી જ પ્રવેશ
તાજમહેલમાં પ્રવેશ માટે નવો 'ટર્ન સ્ટાઈલ ગેટ' બનાવવામાં આવ્યો છે. આ ગેટ તાજમહેલના પૂર્વ અને પશ્ચિમ પ્રવેશદ્વાર પર ઊભા કરાયા છે. નવી વ્યવસ્થા મુજબ હવે પ્રવાસીઓને ટિકિટ સ્કેન કર્યા પછી જ તાજમહેલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સાથે જ હવે થોડા સમયમાં પ્રવાસીઓને તાજમહેલમાં પ્રવેશ માટે એક મેગ્નેટિક કોઈન(સિક્કો) પણ આપવામાં આવશે. આ કોઈન સાથે પ્રવેશ કરનારા પ્રવાસીને તાજમહેલમાં ત્રણ કલાક સુધી રોકાવા દેવાશે.
ત્રણ કલાક પછી વધુ રકમ ચૂકવો
જો કોઈ પ્રવાસી તાજમહેલમાં ત્રણ કલાક કરતાં વધુ સમય પસાર કરે છો તો તેણે તેના માટે વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. પ્રવાસીએ આ માટે તેની પાસેના કોઈનને રિચાર્જ કરાવાનો રહેશે. જેના માટે તાજ પરિસરમાં રોયલ ગેટની નજીક કાઉન્ટર લગાવવામાં આવશે. આ અગાઉ મુલાકાતીઓને તાજમહેલ ખુલ્યા પછી તેને બંધ કરવાનો સમય થાય ત્યાં સુધી રોકાવા દેવામાં આવતા હતા. પુરાતત્વ ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે, સિક્કાની વ્યવસ્થા લાગુ કરતા પહેલા કેટલાક ફેરફાર કરવામાં આી રહ્યા છે. ત્યાર પછી જ પ્રવાસીને સિક્કા આપવામાં આવશે.