નવી દિલ્હીઃ તમિલનાડુની રાજનીતિનો મોટો ચહેરો અને ડીએમકે પ્રમુખ એમ. કરૂણાનિધિનું 94 વર્ષની ઉંમરે મંગળવારે સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ ઘણા દિવસથી બિમાર હતા. તેમના નિધનને કારણે તમિલનાડુ સહિત રાજકીય ગલિઓમાં શોકની લહેર દોડી ગઈ છે. રાજ્ય સરકારે તેમના નિધન પર 7 દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. તેમના અંતિમ સંસ્કાર બુધવારે કરવામાં આવશે. તેમના નિધન પર કેન્દ્ર સરકારે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. કરૂણાનિધિના નિધનના શોકમાં રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે કરૂણાનિધિના અંતિમ સંસ્કારના સ્થાનને લઈને રાજ્યમાં વિવાદ થયો છે. રાજ્યની ઈકે પલાનીસ્વામી સરકારે ચેન્નઈના મરીના બીચ પર ડીએમકે પ્રમુખના અંતિમ સંસ્કાર માટે મંજૂરી આપી નથી. ડીએમકેએ રાજ્ય સરકારને કરૂણાનિધિના અંતિમ સંસ્કાર અને તેમના સમાધિ સ્થળ માટે મરીના બીચ પર જગ્યા આપવાની માંગ કરી હતી, પરંતુ સરકારે આ માંગને ઠુકરાવી દીધી. પલાનીસ્વામી સરકારે ગાંધી મંડપની પાસે જમીન આપવાની વાત કરી છે. ડીએમકેએ અન્નાની સમાધિ પાસે કરૂણાનિધિના અંતિમ સંસ્કારની માંગ કરી હતી. 


સરકાર દ્વારા રમીના બીચ પર અંતિમ સંસ્કારનો ઈનકાર કર્યા બાદ ડીએમકેએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હુલુવાદી જી. ગણેશે આ મામલા પર સુનાવણી માટે પોતાની મંજૂરી આપી દીધી છે. હાલ મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવમી ચાલી રહી છે.