નવી દિલ્હી:  તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ ભાજપના નેતૃત્વવાળા એનડીએથી છેડો ફાડ્યો છે. પાર્ટીએ આજે થયેલી પોલિત બ્યુરોની બેઠકમાં આ નિર્ણય લીધો. ત્યારબાદ ટીડીપીના તમામં 16 સાંસદોએ રાજીનામાં આપ્યાં દીધા. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળવાના મુદ્દે ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસ સતત ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર દબાણ બનાવી રહી છે. આ અગાઉ 8 માર્ચના રોજ ટીડીપીના બે મંત્રીઓએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાંથી રાજીનામાં આપ્યા હતાં. જો કે આમ છતાં પાર્ટીએ કહ્યું હતું કે કેન્દ્રમાં સરકારને સમર્થન જારી રહેશે. અમરાવતીમાં આયોજિત પોલિત બ્યુરોની બેઠકમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પોતાના સાંસદોને ટેલિકોન્ફરન્સિંગ દ્વારા કહ્યું કે તેઓ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાના મુદ્દે દિલ્હીમાં એનડીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે. ટીડીપીના અવિશ્વાસના પ્રસ્તાવને અનેક વિપક્ષી દળોનું સમર્થન મળી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીડીપીએ NDA સાથે છેડો ફાડ્યો, સાંસદોને કહ્યું-મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવો


ટીડીપી નેતાઓ સીએમ રમેશ, થોતા નરસિમ્હાન, રવિન્દ્ર બાબુ અને અન્ય નેતાઓએ NDAમાંથી બહાર થયા બાદ મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે ભાજપનો અર્થ છે 'બ્રેક જનતા પ્રોમિસ'. વધુમાં તેમણે કહ્યું કે તેઓ સોમવારે સદનમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. 



અનેક પક્ષોનું સમર્થન, મમતાએ કહ્યું-દેશને તબાહીથી બચાવવાનો છે
ટીડીપીના આ અવિશ્વાસ પ્રસ્તાવને અનેક વિપક્ષી દળોનું સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ, અને સીપીએમ જેવા મોટા પક્ષોએ ટીડીપીના અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને મમતા બેનરજીએ ટીડીપીના આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યું કે દેશને તબાહીથી બચાવવાની જરૂર છે. દેશને રાજકીય અસ્થિરતાથી બચાવવાનો છે. આથી બધા પક્ષોએ સાથે મળીને કામ કરવું પડશે.



કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે શરૂઆતથી જ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો મળવાનું સમર્થન કરી રહ્યાં છીએ. અમે ઈચ્છીએ છીએ કે આંધ્રના લોકોને ન્યાય મળે. એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ અવિશ્વાસના પ્રસ્તાવનું સમર્થન કરવાની જાહેરાત કરી છે.



સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ પણ ટ્વિટ કરીને કહ્યું કે અમે ભાજપ વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવનું સમર્થન કરીએ છીએ. આ આંધ્ર પ્રદેશના લોકો સાથે વિશ્વાસઘાત છે.



સોમવારે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે ટીડીપી
તેલુગુ દેશમ પાર્ટીએ કહ્યું કે તેઓ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સોમવારે 19 માર્ચના રોજ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. ટીડીપીએ એક નિવેદનમાં કહ્યું કે અમે 54 સાંસદોના હસ્તાક્ષર 19 માર્ચના રોજ લાવીશું અને સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરીશું. આંધ્ર પ્રદેશના મંત્રી કે એસ જવાહરે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તેઓએ અમારી સાથે દગો કર્યો. મંત્રીએ કહ્યું કે ભાજપે તેલુગુ જનતાને દગો કર્યો. અમે એનડીએ સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહ્યાં છીએ.


બીજી બાજુ ટીડીપીના સાંસદે કેન્દ્રને આપેલું સમર્થન પાછું ખેંચવા પર સહમતિ વ્યક્ત કરતા સદનમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનું કહ્યું. ટીડીપી સાંસદ થોટા નરસિમ્હને કહ્યું કે અમારી પાર્ટી સંસદમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. અમે નક્કી કર્યું છે, અમે હવે એનડીએમાંથી બહાર છીએ.



લોકસભાની ત્રણ પેટાચૂંટણીના ઝટકા બાદ ભાજપ માટે આ એક વધુ આંચકો હોઈ શકે છે. નાણામંત્રી અરુણ જેટલીએ અગાઉ કહ્યું હતું કે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાશે તો બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિત તમામ રાજ્યો આ પ્રકારની માગણી કરી શકે છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કેન્દ્રમાં સામેલ પોતાના મંત્રીઓને રાજીનામાં આપવા જણાવ્યું હતું. એટલું જ નહીં તેના જવાબમાં ભાજપે આંધ્રમાં પોતાના બે મંત્રીઓના રાજીનામાં પણ સોપી દીધા હતાં.