નવી દિલ્હી: કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે કર્ણાટકમાં ચાલી રહેલી ગઠબંધનની સરકાર વચ્ચે અસંતોષ ત્યારે જોરદાર જોવા મળ્યો જ્યારે મુખ્યમંત્રી સીએમ કુમારસ્વામી એક કાર્યક્રમમાં રડી પડ્યાં. તેમણે કહ્યું કે 'હું વર્તમાન પરિસ્થિતિઓથી ખુશ નથી. હું ગઠબંધનનું ઝેર પી રહ્યો છું.' એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ચૂંટણી બાદ મારા કાર્યકર્તાઓ ખુબ ખુશ હતાં, તેમને લાગી રહ્યું હતું કે તેમના ભાઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. પરંતુ તેઓ હાલના હાલાતથી ખુશ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુમારસ્વામીના મુખ્યમંત્રી બન્યા બાદ જેડીએસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં કુમારસ્વામીએ પુષ્પગુચ્છ પણ ન લીધા અને સ્વાગત દરમિયાન માળા પણ પહેરી નહીં. આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં પોતાના કાર્યકર્તાઓને કહ્યું કે જ્યારે હું મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે તમે લોકો ખુબ ખુશ હતાં. પરંતુ હું તમને કહેવા માંગુ છું કે હું ખુશ નથી. હું મારા દર્દને પી રહ્યો છું. ગઠબંધનના મુખ્યમંત્રી બનવું એ ઝેર પીધાથી ઓછુ નથી. હું આ હાલાતથી ખુશ નથી. 



રાજ્ય વિધાનસભામાં પોતાનું પહેલું બજેટ રજુ  કર્યા બાદ કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન વચ્ચે અનેક પ્રકારના તણાવના અહેવાલો આવી રહ્યાં છે. ખાસ કરીને ખેડૂતોના દેવા માફ કર્યા બાદ સરકારે પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો કર્યા પછી તો તણાવ વધી ગયો છે. આ બાજુ ભાજપે સરકાર પર આરોપ મૂક્યો છે કે તેણે રાજ્યના તટીય વિસ્તારોના લોકોની અવગણના કરી છે. 


હકીકતમાં કર્ણાટકના સીએમ કુમારસ્વામીની આ ભાવુક કરી નાખતી સ્પીચનું કારણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલો એક વીડિયો છે જેમાં કર્ણાટકના તટીય વિસ્તારનો એક છોકરો કહી રહ્યો છે કે કુમારસ્વામી તેમના સીએમ નથી. રાજ્યના કોદાગુના એક છોકરાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર જારી કર્યો હતો જેમાં તેના ગામનો રસ્તો ધોવાઈ ગયો હતો. પરંતુ મુખ્યમંત્રીને તેની કોઈ ચિંતા નથી. તટીય વિસ્તારોમાં માછીમારોની લોન પણ માફ કરાઈ નથી. 


બે કલાકની અંદર મુખ્યમંત્રી પદ છોડી શકું છું
કુમારસ્વામીએ કહ્યું હતું કે ખેડૂતોના દેવા માફી માટે અધિકારીઓને મેં કઈ રીતે તૈયાર કર્યા તે કોઈ જાણતું નથી. સીએમએ કહ્યું કે હવે તેઓ 'અન્ના ભાગ્ય સ્કીમ'માં 5 કિલો ચોખાની જગ્યાએ 7 કિલો ઈચ્છે છે. હું આ માટે 2500 કરોડ ક્યાંથી લાવું. ટેક્સ લગાવવા બદલ મારી ખુબ ટીકાઓ થઈ રહી છે. બીજી બાજુ મીડિયા કહે છે કે મારી લોન માફી સ્કીમમાં સ્પષ્ટતા નથી. જો હું ઈચ્છુ તો 2 કલાકની અંદર સીએમ પદ છોડી શકૂ છું. કુમારસ્વામીએ કહ્યું કે ચૂંટણી સમયે રેલીઓમાં અમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હતાં. પરંતુ જ્યારે મત આપવાનો વારો આવ્યો તો લોકો અમને અને અમારી પાર્ટીને ભૂલી ગયાં. હું સીએમ બન્યો તેની તાકાત મને ભગવાને આપી છે. તેઓ નક્કી કરશે કે હું આ પદ પર કેટલા દિવસ રહું. 


દેવગૌડાએ પણ વ્યક્ત કરી ચિંતા
આ બાજુ જેડીએસના સુપ્રીમો અને કુમારસ્વામીના પિતા દેવગૌડાએ કહ્યું કે હું મારા પુત્રના સ્વાસ્થ્યને લઈને ખુબ ચિંતિત છું. તે આરામ કર્યા વગર 18 કલાક સુધી કામ કર્યા કરે છે.